ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની પાંચમી સિઝન માટે યોજાયેલી હરાજીમાં કુલ 25 ખેલાડીઓનું વેચાણ થયું. જેમાં રવિન્દ્ર જાડેજા સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો. જાડેજા માટે ચેન્નાઈ સુપર કિંગ્સે 2 મિલિયન ડોલરની સફળતા પૂર્વક બોલી લગાવી હતી.
જો કે આ હરાજીમાં કેટલાક ખેલાડીઓ એવા હતા કે જેઓને જે કિંમતે ખરીદવામાં આવ્યા હતા તેનાથી લોકોને આશ્ચર્ય થયું હતું. જેમાં ભારતીય યુવા બોલર વિનય કુમાર અને વેસ્ટ ઈન્ડીઝના સ્પિનર સુનિલ નરૈનનો સમાવેશ થાય છે.
- વિનય કુમાર
વિનય કુમારની બેઝ પ્રાઈઝ 100,000 ડોલર રાખવામાં આવી હતી. પરંતુ તેના માટે મોટા ભાગની ટીમોએ રસ દાખવ્યો હતો. એક પછી એક ટીમોમાં અન્ય કરતા વધારે બોલી લગાવીને તેને ખરીદવાની હોડ જામી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેને ખરીદવામાં સફળ રહ્યું હતું. પરંતુ આ માટે બેંગ્લોરે 1 મિલિયન ડોલરનો ખર્ચ કરવો પડ્યો જે લોકો માટે આશ્ચર્યજનક હતું. કેમ કે હરાજી પહેલા વિયન કુમારને આટલી મોટી રકમ મળશે તેવો કોઈને અંદાજ પણ નહોતો.
- સુનિલ નરૈન
ત્યાર બાદ નામ આવે છે સુનિલ નરૈનનું. કેરેબિયન સ્પિનર માટે પણ ટીમોમાં હોડ જામી હતી. જો કે વિનય કુમારની જેમ નરૈનને બહુ મોટી રકમ તો નહોતી મળી પરંતુ તેને તેની બેઝ પ્રાઈઝ કરતા ઘણી મોટી રકમ મળી હતી. તથા તેને ખરીદવા માટે ટીમોમાં જે સ્પર્ધા થઈ હતી તે વધારે આશ્ચર્યજનક રહ્યું હતું. 50,000 ડોલરની બેઝ પ્રાઈઝ ધરાવતા સુનિલ નરૈનને કોલકાતા નાઈટ રાઈડર્સે 700,000 ડોલરમાં ખરીદ્યો હતો.
- કેવિન ઓ’બ્રાયન
આ ઉપરાંત ના ખરીદાયેલા ખેલાડીઓમાં એક નામ એવું હતું જેનાથી લોકોને થોડો આઘાત લાગ્યો હતો. આ ખેલાડી હતો આયર્લેન્ડનો ઓલ-રાઉન્ડર કેવિન ઓ’બ્રાયન. હરાજી પહેલા ઓ’બ્રાયનને કહ્યું હતું કે તે આઈપીએલનો ભાગ બનવા માટે ઘણો આતુર છે. પરંતુ હરાજીમાં એક પણ ટીમે તેને ખરીદ્યો નહોતો. વર્લ્ડકપ 2011માં તેણે પોતાની ધમાકેદાર ઈનિંગ્સની મદદથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું તથા ટી20 જેવા ફોર્મેટમાં તેની બેટિંગ ઘણી બંધબેસતી છે.