સાત વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રહેલી અમેરિકાની મહિલા ટેનિસ ખેલાડી વીનસ વિલિયમ્સે ખરાબ સ્વાસ્થ્યના કારણે વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે.
વીનસનું કહેવું છે કે તે ફેબ્રુઆરીમાં કોર્ટ પર ઉતરવાની યોજના બનાવી રહી છે. ઓસ્ટ્રેલિયન સમાચાર પત્ર સિડની મોર્નિંગ હેરાલ્ડે વીનસના હવાલેથી લખ્યું છે કે મને આ જણાવતા ઘણો અફસોસ છે કે હું ઓસ્ટ્રેલિયન ઓપન 2012માંથી મારૂ નામ પાછું ખેંચી લઉ છું. તાલિમ અને સારવારના ઘણા મહિનાઓ બાદ મારા સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયન ઓપનનું આયોજન 16 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી મેલબોર્નમાં થશે. આ પહેલા વીનસે હાલમાં જ સંપન્ન થયેલી એએસબી ક્લાસિક ટૂર્નામેન્ટમાંથી પણ પોતાનું નામ પાછું ખેચ્યું હતું.
અખબારના જણાવ્યા પ્રમાણે વીનસે કહ્યું છે કે હું હાલના દિવસોમાં જે પ્રકારનો આહાર લઈ રહી છું અને ફિટનેસ નિયમોનું પાલન કરી રહી છું તેનાથી મને ઘણો જ લાભ થયો છે. મને લાગે છે કે હું ડબ્લ્યૂટીએ ટૂર્નામેન્ટમાં રમવાની નજીક છું અને હું ફેબ્રુઆરીમાં કોર્ટ પર ઉતરવાની આશા રાખી રહી છું.