ન્યૂયોર્કમાં રમાઇ રહેલા વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનમાં અમેરિકન ટેનિસ ખેલાડી વિનસ વિલિયમ્સે પરિધાન કરેલો ચળકતો ડ્રેસ ચર્ચાનો વિષય બન્યો છે.
ભૂતકાળમાં પણ ફ્લશિંગ મિડોઝ ખાતે વિનસે પહેરેલા ડ્રેસ હંમેશાં પ્રેક્ષકોના આકર્ષણનું કેન્દ્ર બનતા આવ્યા છે. બહેન સેરેનાની જેમ વિનસ પણ પોતાની પસંદગીના ડિઝાઈનર ડ્રેસ તૈયાર કરાવે છે અને તેમાં આ વખતનો યુએસ ઓપન પણ બાકી રહેતો નથી.
વિનસે યુએસ ઓપનના પ્રથમ ત્રણેય મુકાબલામાં અલગ અલગ રંગના ડ્રેસ પહેર્યા છે પરંતુ તેમાં ડિઝાઈન લગભગ સરખી છે. આ ડિઝાઈન સ્પાર્કલ ફાયરવર્ક્સ જેવી તૈયાર કરવામાં આવી છે. રસપ્રદ બાબત એ છે કે વિનસને હવામાં ઊંચાઇ પર જઇને ફૂટતા ક્રેકર્સ ઘણા પસંદ છે અને તે ઘણી વખત દરિયાકિનારે ફાયરવર્ક્સનું આયોજન પણ કરે છે.
વિનસ જ્યારે ટેનિસ કોર્ટ પર મેચ જોઇ રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલી તેની મોટી બહેન સેરેનાએ પણ તેના ડ્રેસની ભરપૂર પ્રશંસા કરી હતી. યુએસ ઓપનમાં વિનસનો આ વખતનો ડ્રેસ વધારે પારદર્શક પણ છે અને તેણે ફાઇનલ સુધીની સાત મેચ માટે અલગ રંગના ડ્રેસ તૈયાર કરાવ્યા છે. તમામ ડ્રેસમાં પાછળના ભાગે કટ અવે પેનલની ડિઝાઈન છે. આ ડ્રેસની કિંમત ૧૯૮ ડોલર (અંદાજે સાડા નવ હજાર રૂપિયા) છે.
પ્રત્યેક ગ્રાન્ડસ્લેમમાં વિનસ વિવિધ રંગના ડ્રેસ તૈયાર કરાવે છે. જાન્યુઆરીમાં રમાયેલા ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન તેણે પેરોટ ગ્રીન રંગનો ડ્રેસ પહેર્યો હતો. વિમ્બલડનમાં વિનસે ૧૯૮૦ના દાયકાની પોપ સિંગર ટીના ટર્નર જેવા રૂંછાવાળા ડ્રેસ તૈયાર કરાવ્યા હતા.