- ટીમના તમામ ખેલાડી અને બોર્ડના અધિકારીઓ બધું જ જાણતા હોવાનો વીણાનો દાવો : આઈસીસીના રઝા આજે વીણાની પૂછપરછ કરશે
- પાક. બુકીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા, ભારતીય બુકી લાલચંદ સાથે સંપર્ક
પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આસિફ સામે સિરિયલ ફિકસર હોવાનો આક્ષેપ કરનારી અભિનેત્રી અને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ વીણા મલિકે બુધવારે વધુ એક રહસ્યસ્ફોટ કરતાં એવો દાવો કર્યો હતો કે મેચ ફિક્સિંગના મામલામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) બધું જ જાણે છે અને પાકિસ્તાની ટીમના તમામ ખેલાડી અને બોર્ડના અધિકારીઓ મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા છે.
ઇંગ્લેન્ડમાં બનેલી ઘટના બાદ પાકિસ્તાનના તમામ બુકી અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. એમ કહેવાય છે કે તેઓ ભારતીય બુકી લાલચંદની નિશ્રામાં કામ કરી રહ્યા હતા. લાલચંદ અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે સંકળાયેલો છે અને મુંબઈમાં રહીને કારોબાર કરે છે.
વીણા મલિકે જણાવ્યું હતું કે પીસીબી પાસે મોહમ્મદ આસિફ સામે તમામ પુરાવા હતા પરંતુ તેમણે આસિફ સામે કોઈ કાર્યવાહી કરી ન હતી, કેમ કે ટીમના તમામ ખેલાડી અને પીસીબીના અધિકારીઓ પણ આ કૌભાંડમાં સંકળાયેલા છે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ખાતેની ટેસ્ટ વખતે એક ભારતીય બુકીએ આસિફને ૪૦ હજાર ડોલરની ઓફર કરી હતી પરંતુ આસિફે આ માટે બે લાખ ડોલરની માગણી કરી હતી એ બાબત ખુદ આસિફે જ મને કહી હતી, તેણે મને એમ પણ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પાકિસ્તાન એકેય મેચ જીતશે નહીં. આસિફના બુકીઓ સાથે સંબંધ હોવાને કારણે જ મેં તેની સાથેનો નાતો તોડી નાખ્યો હતો, કેમ કે હું ઇચ્છતી ન હતી કે તે આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ થાય.
વીણા મલિક ગુરુવારે આઇસીસીના એન્ટિ કરપ્શન યુનિટના અધિકારી રઝા હસનને મળવાની છે. ઇંગ્લેન્ડમાં રમી રહેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીએ સ્પોટ ફિક્સિંગ કર્યું હોવાના આક્ષેપ બાદ ક્રિકેટમાં ખળભળાટ મચી જતાં રઝા હસન બુધવારે પાકિસ્તાન પહોંચ્યા હતા અને તેમણે વીણા મલિક અંગે પણ માહિતી મેળવી હતી તથા હવે તેઓ વીણાને મળવાના છે.
વીણાએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં સંકળાયેલા સલમાન બટ્ટ અને મોહમ્મદ આમિર સાથે આસિફને મિત્રતા ન હતી પરંતુ શક્ય છે કે ફિક્સિંગને કારણે તેમના સંબંધો સુધર્યા હોય.
વીણા બદલો લઈ રહી છે
પીસીબીના એક અધિકારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે આસિફથી અલગ થયા બાદ વીણા નારાજ હતી અને આસિફે લગ્ન કરવાનો ઇનકાર કર્યો ત્યારથી વીણાએ તેને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.