લિએન્ડર-ભૂપતિને સમાધાનની જરૂર હતી : વેસ પેસ
Bhaskar News, Ahmedabad
| Sep 20, 2012, 23:50PM IST

લંડન ઓલિમ્પિક્સ પહેલાં જોડીની પસંદગી અંગે થયેલા વિવાદના સંદર્ભમાં લિએન્ડરના પિતા ડોક્ટર વેસ પેસે ભારપૂર્વક જણાવ્યું હતું કે ૨૨ વર્ષ સુધી વેસ્ટર્ન વર્લ્ડ પર ભારતનું સામ્રાજ્ય સ્થાપ્યા બાદ લિએન્ડર તથા મહેશ ભૂપતિએ વિખૂટા પડવાની જરૂર નહોતી. બંનેએ સમાધાનનો માર્ગ અપનાવીને દેશના ગૌરવનો આદર કરવાની જરૂર હતી. ઇન્ટરનેશનલ ખેલાડીઓ વચ્ચે ક્યારેક મતભેદો થતા હોય છે પરંતુ તેના પણ ઉકેલ આવતા હોય છે. મારા મતે બંને ખેલાડીઓએ લંડન ઓલિમ્પિક્સમાં તમામ મતભેદોને ભૂલીને સાથે રમવાની જરૂર હતી.
અમદાવાદ રેકેટ એકેડેમી ખાતે 'લક્ષ્ય ગુજરાત’ પ્રોગ્રામના ભાગરૂપે મહેમાન બનેલા વેસ પેસે સ્થાનિક ટેલેન્ટના ભરપૂર વખાણ કરીને જણાવ્યું હતું કે ટેનિસમાં ગુજરાતનું ભાવિ ઘણું ઉજળું છે. વેસ પેસે ત્રણ દિવસના કન્ડિશનિંગ કેમ્પના સંદર્ભમાં જણાવ્યું હતું કે ખેલાડીઓની ફિટનેસ તથા સ્ટ્રેન્થ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત અન્ય કેમ્પમાં વિશ્વ સ્તરની ટેનિસ માટેની ફિટનેસ તાલીમ પણ આપવામાં આવશે. 'લક્ષ્ય ગુજરાત’ યોજના મુજબ અમદાવાદના પાંચ તથા વડોદરાના ત્રણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને તેમનો તમામ ખર્ચ 'લક્ષ્ય’ સંસ્થા ભોગવશે. અમદાવાદ રેકેટ એકેડેમી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રમુખ અજય વોરા, ઉપપ્રમુખ એનજી પટેલ, વિક્રમ પટેલ (ટેનિસ સેક્રેટરી), જ્ઞાનેશ ભગત (સેક્રેટરી) હાજર રહ્યા હતા.
લક્ષ્ય ગુજરાત માટે પસંદગી પામેલા ખેલાડીઓમાં ઝીલ દેસાઇ, ઋત્વિ શાહ, વૈદેહી ચૌધરી, અમન પટેલ, પ્રિયાંશી ભંડારી, મેઘ પટેલ, દાનિશ સિદ્દિકી તથા આર્યન ઝવેરીનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવા અંગે વેસ પેસે જણાવ્યું હતું કે કિડ્સ જ્યારે છ વર્ષના હોય છે ત્યારે તેમને ટેનિસ પ્રત્યે આકર્ષણ થતું હોય છે. ૧૦ વર્ષનો થાય છે ત્યારે તે આઇટીએફ સર્કિટ પર રમતો થાય છે. ૧૪મા વર્ષ સુધીમાં તે નેશનલ ટૂર્નામેન્ટમાં રમીને વિજય તથા પરાજયના પાઠ શીખે છે. ૧૬થી ૧૮ વર્ષનો ગાળો કોઇ પણ ટેનિસ ખેલાડી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે.
ભૂતપૂર્વ ખેલાડી તથા ઇન્ટરનેશનલ કોચ આઇટીએસ-૩ રાધિકા કાનિટકરે જણાવ્યું હતું કે ખેલાડીઓને ત્રણ દિવસ મેન્ટલ ટફનેસની પણ તાલીમ આપવામાં આવશે. ગુજરાતની પ્રતિભાથી અમે ઘણા પ્રભાવિત થયા છીએ. જો તેમને યોગ્ય તાલીમ તથા તક મળે તો તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા પુરવાર કરી શકે છે.






