યુરોપિયન ટૂરમાં યુસૈન બોલ્ટે હેટ્રિક નોંધાવી
Agency, Oslo
| Jun 09, 2012, 06:25AM IST

વિશ્વના સૌથી ઝડપી સ્પિ્રન્ટર યુસૈન બોલ્ટે યુરોપિયન ટૂરમાં ૧૦૦ મીટર રેસમાં સતત ત્રીજું ટાઇટલ જીતીને હેટ્રિક નોંધાવી હતી. ડાયમન્ડ લીગ ચેમ્પિયનશિપમાં જમૈકન સ્પિ્રન્ટર બોલ્ટે ૧૦૦ મીટર રેસમાં પોતાના સાથી એથ્લેટ અસાફા પોવેલ સામે રોમાંચક જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ ચેમ્પિયન સેલી પિયરસને વિમેન્સની ૧૦૦ મીટર હર્ડલ રેસ જીતી લીધી હતી. કેન્યાની મિલકા કેમોસે ૩૦૦૦ મીટર સ્ટેપલચેઝમાં ચોથો સૌથી ફાસ્ટેસ્ટ ટાઇમ હાંસલ કર્યો હતો.
બોલ્ટે ૯.૭૯ સેકન્ડના સમયમાં ૧૦૦ મીટરનું અંતર પાર કર્યું હતું જ્યારે પોવેલે ૯.૮પ સેકન્ડનો સમય મેળવ્યો હતો. વિમેન્સ ૧૦૦ મીટર હર્ડલ રેસમાં પિયરસને પોતાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરીને ૧૨.૪૯ સેકન્ડનો સમય મેળવ્યો હતો. તેણે અમેરિકાની ક્રિસ્ટી કૈસલિન તથા બ્રિટનની ટિફીની પોર્ટરને પાછળ રાખી દીધી હતી.
વર્લ્ડ ચેમ્પિયન ડાઇ ગ્રીન ૪૦૦ મીટર હર્ડલ રેસમાં અપસેટનો ભોગ બન્યો હતો. આ ઇવેન્ટમાં પોર્ટો રિકોના ઝેવિયર કુલસને ૪૭.૯૨ સેકન્ડના સમય સાથે બાજી મારી હતી. ગ્રીન ૪૮.૯૮ સેકન્ડના સમય સાથે ચોથા ક્રમે રહ્યો હતો.





