શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) આર્થિક તંગીના કારણે શ્રીલંકન ખેલાડીઓને ભારત અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વનડે ત્રિકોણીય શ્રેણીમાં પણ વગર વેતને રમવું પડશે.
શ્રીલંકન બોર્ડે ખેલાડીઓને ગયા કેટલાક મહિનાઓથી તેમનો પગાર નથી આપ્યો અને આગામી શ્રેણીમાં પણ સ્થિતિ બહુ સુધરવાની સંભાવનાઓ નથી. શ્રીલંકન ખેલાડીઓને વર્લ્ડકપ બાદ લગભગ 50 લાખ ડોલરની ચૂકવણી કરવાની છે.
ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ ક્રિકેટર એસોસિયેશન (ફિકા)નું કહેવું છે કે એસએલસીની આર્થિક સ્થિતિ હાલમાં એટલી ખરાબ છે કે સરકરા પાસેથી કોઈ પણ સહાયતા પેકેજ વગર તે વધારે ગંભીર બની શકે છે.
ઉલ્લેખનીય છે કે ખેલાડીઓના વેતન સંબંધી મમલામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને પણ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને બાદમાં ખેલાડીઓને 20 લાખ ડોલરની ચૂકવણી કરવામાં આવી હતી.
શ્રીલંકન ખેલાડીઓને હજી પણ વર્લ્ડકપ દરમિયાન આપવામાં આવનારા 23 લાખ ડોલર ઉપરાંત ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાનારી મેચોની ફી પણ ચૂકવવાની બાકી છે.
શ્રીલંકન ટીમના સુકાની મહેલા જયવર્દેનેએ જો કે આશા વ્યક્ત કરી છે કે ટીમને તેની બાકીની રકમ જલદીથી આપવામાં આવશે. ત્રિકોણીય શ્રેણી પહેલા જયવર્દેનેએ કહ્યું હતું કે ખેલાડીઓ આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે અને તે માટે જરૂરી છે કે તમામને સમયસર ચૂકવણી કરવામાં આવે જેથી કરીને તેઓ પોતાની રમત પર ધ્યાન કેન્દ્રીત કરી શકે.