શ્રીલંકા ખાતે રમાયેલી ત્રિકોણીય શ્રેણીમાં ભલે બેટિંગ થકી પોતાની પ્રતિભા દર્શાવવાની તક ઝારખંડના યુવા ખેલાડી સૌરભ તિવારીને મળી ન હોય પરંતુ તેનું કહેવું છે કે, તે આગામી ચેમ્પિયન્સ લીગમાં શાનદાર પ્રદર્શન કરશે. જો કે, ટીમમાં સમાવેશ નહીં કરવા અંગે તેણે કહ્યું કે એ અંગેનો અધિકાર ટીમના સુકાની(ધોની)ને હોય છે.
સૌરભ કે જે આજે ટાટા સ્ટિલ સાથે જોડાયો છે, તેણે કહ્યું કે, ચેમ્પિયન્સ લીગ મારી માટે ખૂબ જ મહત્વની છે. અને મને વિશ્વાસ છે કે હું તેમાં સારુ પ્રદર્શન કરીશ.
સૌરભ તિવારીએ કહ્યું કે, મે ઘણી મહેનત કરી છે, અને મારું પ્રદર્શન સુધરે એ માટે મે ટીમ ઇન્ડિયાના સાથી મેમ્બરો સાથે ઘણી જ પ્રેક્ટિસ કરી હતી. સૌરભે ગયા વર્ષે યોજાયેલી આઇપીએલ ટૂર્નામેન્ટમાં હાર્ડ હિટિંગ કરીને બીસીસીઆઇના પસંદગીકારો સહિત દેશવાસીઓનું દીલ જીત્યું હતું. અને તેને બે વખત ટીમ ઇન્ડિયાનો હિસ્સો બનાવવામાં આવ્યો હતો. જો કે, તેને બેટિંગ કરવાની તક મળી ન હતી.
રોહિત શર્મા અને દિનેશ કાર્તિક જેવા આઉટ ઓફ ફોર્મ ખેલાડીઓને સ્થાને તેનો ટીમમાં સમાવેશ કેમ કરવામાં આવી રહ્યો નથી. તે અંગે પુછવામાં આવતા સૌરભ તિવારીએ કહ્યું હતું કે કોને ટીમમા લેવો અને કોને નહીં તે અંગેનો નિર્ણય કરવાનું કામ સુકાની(ધોની)નું હોય છે. અને સુકાની હંમેશા એવા ખેલાડીઓને પસંદ કરે છે જે જીત મેળવવામાં મદદરૂપ થાય. તેમજ ભારત પાસે ઘણા અનુભવી ખેલાડીઓ છે.
હાલ તો હું આગામી ચેમ્પિયન્સ લીગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું અને તેમાં સારુ પ્રદર્શન કરી ટીમ ઇન્ડિયામાં મારુ સ્થાન પાકું કરીશ તેમ સૌરભ તિવારીએ કહ્યું હતું.