વેસ્ટ ઇન્ડિઝ ખાતે રમાયેલા ટી20 વિશ્વ કપ દરમિયાન એક પબમાં ભારતીય ખેલાડીઓ સાથે ક્રિકેટપ્રેમીઓએ કરેલી ઝપાઝપી થઇ હતી. જેને લઇને બીસીસીઆઇ દ્વારા એક નવી આચાર સંહિતા લાગૂ કરવામાં આવી છે. જે ટીમ ઇન્ડિયાને સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગ જેવા ક્રિકેટના ગુન્હાઓથી દૂર રાખી શકશે. આ આચાર સંહિતા અનુસાર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ બહારના લોકોને ઇચ્છા અનુસાર મળી શકશે નહીં.
સ્થાનિક શ્રેણી હોય કે પછી વિદેશનો પ્રવાસ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ટીમ મેનેજરની પરવાનગી વગર ક્યાંય આવી કે જઇ શકશે નહીં. આ આચાર સહિંતા એવા સમયે લાગૂ કરવામાં આવી છે કે, જ્યારે પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગના મામલામાં સંડોવાયા છે.
ખાસ નજર રખાશે
દરેક ખેલાડીઓની ગતિવિધિઓ પર ટીમ મેનેજરની નજર રહેશે અને તે આ રિપોર્ટ બીસીસીઆઇને સોંપશે. જો કોઇ ખેલાડી આચાર સંહિતાનો ઉલ્લંઘન કરતો જોવા મળશે તો તેને પરત મોકલવાનો અધિકાર ટીમ મેનેજરને રહેશે.
આ છે નવી આચાર સંહિતા
1- માત્ર ખેલાડીઓની પત્ની જ તેમની સાથે આવ જા કરી શકશે.
2- ખેલાડીઓના મેનેજરો અથવા અન્ય પ્રતિનિધિઓને પણ તેમને મળવા માટે ટીમ મેનેજરની પરવાનગી મેળવવી પડશે.
3- ટીમ ન તો ખાનગી રીતે આમંત્રિત ભોજન સમારોહમાં શામેલ થઇ શકશે કે ન તો આમંત્રણ સ્વિકારી શકશે.
4- વિદેશ પ્રવાસ દરમિયાન માત્ર ભારતીય હાઇ કમિશન તરફથી આયોજીત ભોજન સમારોહમાં જ ટીમ શામેલ થઇ શકશે.