પાકિસ્તાન હાઇ કમિશ્નર વાજીદ હસને જણાવ્યું છે કે, સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને શ્રેણીમાંથી ડ્રોપ કરવામાં આવ્યા નથી પરંતુ હાલ જે તમામ મામલો ચાલી રહ્યો છે. તેના કારણે તેઓને માનસિક પીડાનો સામનો ન કરવો પડે તે માટે શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા છે.
હસને જણાવ્યું છે કે, છેલ્લા અઠવાડિયાથી જે કંઇપણ થઇ રહ્યું છે તેનાથી અમે ઘણા વ્યથિત છીએ. તેમજ સમગ્ર ઘટનાને લઇને આ ત્રણેય ખેલાડીઓ માનસિક રીતે પિડાઇ રહ્યાં છે. અને સ્થિતિમાં તેઓ હાલ કોઇપણ પ્રકારની ક્રિકેટ રમી શકે તેમ નથી.
અને તેથી ઉક્ત ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નિવેદન કર્યું હતું કે જ્યાં સુધી આ કેસનો નિવેડો ન આવે અને તેઓને ક્લિનચીટ ન મળે ત્યાં સુધી તેઓને આરામ આપવામાં આવે, તેમ પાકિસ્તાન હાઇ કમિશ્નર હસને કહ્યું છે.
નોંધનીય છે કે, બ્રિટિશ અખબાર દ્વારા સ્પોટ ફિક્સિંગનો મામલો પ્રકાશિત કરાયા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડી સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફની કથિત સંડોવણી અંગે તપાસ ચલાવાઇ રહી છે. અને જે અંતર્ગત આજે પીસીબીના ટીમ મેનેજર દ્વારા ઉક્ત ત્રણેય ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા છે.