ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટી20 મેચમાં ભારતનો 31 રને પરાજય થયો અને બે ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ 1-0ની સરસાઈ મેળવી લીધી છે. જો કે આ મેચમાં કેટલીક રસપ્રદ વાતો પણ નોંધાઈ છે.
આ મેચમાં રોહિત શર્મા તેના પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો અને તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને ડેવિડ હસ્સીના બોલ પર બોલ્ડ થયો હતો. આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં રોહિત શર્મા પ્રથમ વખત ડક પર આઉટ થયો છે.
આ ઉપરાંત સુરેશ રૈનાએ પણ એક સિદ્ધિ નોંધાવી છે. આ ટી20 મેચમાં રૈનાએ બે કેચ કર્યા હતા. રૈનાએ પહેલા વિનય કુમારના બોલ પર ડેવિડ વોર્નરનો કેચ કર્યો હતો. ત્યાર બાદ તેણે અશ્વિનના બોલ પર ટ્રેવિસ બર્ટનો કેચ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ટી20માં બે વખત બે કેચ કરનારો સુરેશ રૈના પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા તેણે 1 ડિસેમ્બર 2006ના રોજ જોહાનિસબર્ગ ખાતે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી ટી20 મેચમાં બે કેચ કર્યા હતા.
જ્યારે સુકાની મહેન્દ્ર સિંહ ધોની આ મેચમાં 43 બોલમાં 48 રન બનાવીને અણનમ રહ્યો. ટી20 ક્રિકેટમાં ધોનીનો આ સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. આ પહેલા તેણે 12 ડિસેમ્બર 2009માં મોહાલી ખાતે શ્રીલંકા સામે 46 રન બનાવ્યા હતા. ધોનીએ પ્રથમ વખત કોઈ ટી20 મેચમાં ત્રણ છગ્ગા ફટકાર્યા છે.