રોજર ફેડરર અને કિમ ક્લાઇસ્ટર્સનો આસાન વિજય, લેટન હેવિટ આઉટ
યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂનૉમેન્ટના પ્રથમ દિવસે ફેવરિટ રોજર ફેડરર અને કિમ ક્લાઇસ્ટર્સે વિજય સાથે પ્રારંભ કર્યો હતો પરંતુ ૨૦૦૧નો ચેમ્પિયન લેટન હેવિટ્ટ અને ભૂતપૂર્વ નંબર વન દિનારા સાફિનાનો પરાજય થતાં અપસેટ સર્જાયો હતો.
ગયા વર્ષે ફાઇનલમાં જુઆન માર્ટિન ડેલ પોટ્રો સામે હારી ગયા બાદ ફરીથી યુએસ ઓપન ટાઇટલ જીતવા માટે પ્રતબિદ્ધ બનેલો સ્વિટઝર્લેન્ડનો રોજર ફેડરર આ વખતે આક્રમક મૂડમાં જણાતો હતો અને સોમવારની આર્થર એશ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં તેણે આર્જેન્ટિનાના બ્રાયન ડાબુલને ૬-૧, ૬-૪, ૬-૨થી સીધા સેટમાં હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
૨૦૦૯માં પોટ્રો સામે હારી જતાં અગાઉ ફેડરરે સળંગ પાંચ વર્ષ સુધી આ ટૂનૉમેન્ટ જીતીને પોતાનું એકચક્રી શાસન જમાવ્યું હતું.
નિવૃત્તિ બાદ પુનરાગમન કરીને ગયા વર્ષે યુએસ ઓપન ટાઇટલ જીતનારી કિમ ક્લાઇસ્ટર્સે વિમેન્સ સિંગલ્સમાં હંગેરીને ગ્રેટા આર્નને ૬-૦, ૭-૫થી હરાવીને આગેકૂચ કરી હતી. ક્લાઇસ્ટર્સે માત્ર ૧૮ મિનિટમાં જ પ્રથમ સેટ જીતી લીધો હતો પરંતુ બીજા સેટમાં ૦-૪થી પાછળ રહ્યા બાદ જીતવા માટે તેણે સંઘર્ષ કરવો પડ્યો હતો.
જોકે ભૂતપૂર્વ નંબર વન ખેલાડી દિનારા સાફિનાનો પરાજય થતાં વિમેન્સ સિંગલ્સમાં પ્રથમ દિવસે જ મોટો અપસેટ સર્જાયો હતો. ઇજા બાદ પુનરાગમન કરીને ફોર્મ મેળવવાનો પ્રયાસ કરી રહેલી રશિયન ખેલાડી સાફિનાનો સ્લોવેકિયાની ડેનિયેલા હંતુચોવા સામે ૩-૬, ૪-૬થી પરાજય થયો હતો.
હજી આઠ દિવસ અગાઉ સિનસિનાટી ઓપન ટાઇટલ સાથે આ વર્ષની એકમાત્ર ટૂનૉમેન્ટ જીતનારા ફેડરરને આર્જેન્ટિનાના હરીફ સામે જીતવામાં કોઈ તકલીફ પડી ન હતી.
મેચ બાદ ફેડરરે જણાવ્યું હતું કે યુએસ ઓપનમાં રાત્રીના સત્રમાં રમાયેલી મેચમાં હું ક્યારેય હાર્યો નથી અને સળંગ છ વર્ષથી અહીંની ફાઇનલમાં રમ્યા બાદ આ વખતે પણ હું ફાઇનલમાં રમવા માગું છું પરંતુ આ વખતે મુકાબલો આસાન નહીં હોય તેની મને ખાતરી છે.
ફેડરરની સાથે સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશનારા ખેલાડીમાં રોજર સોડરલિંગનો પણ સમાવેશ થતો હતો પરંતુ તેને પ્રથમ રાઉન્ડની મેચ જીતવા માટે પાંચ સેટ રમવું પડ્યું હતું. ઓસ્ટિ^યાના આન્દ્રેસ હૈદર સામે તેણે ૭-૫, ૬-૩, ૬-૭ (૨-૭), ૫-૭, ૬-૪થી મેચ જીતી હતી.
એક અન્ય મેચમાં છઠ્ઠા ક્રમના રશિયન ખેલાડી નિકોલ ડેવિડેન્કોએ અમેરિકાના માઇકલ રસેલને ૬-૪, ૬-૧, ૬-૩થી તથા નવમા ક્રમના ખેલાડી અને ભૂતપૂર્વ ચેમ્પિયન એન્ડી રોડ્ડીકે ફ્રાન્સના સ્ટફિન રોબર્ટને ૬-૩, ૬-૨, ૬-૩થી હરાવ્યો હતો.
જોકે ૨૦૦૧ના ચેમ્પિયન લેટન હેવિટ્ટ માટે પ્રથમ દિવસ યાદગાર રહ્યો ન હતો, કેમ કે ફ્રાન્સના પોલ-હેનરી મથાયુ સામે તેનો ૬-૩, ૬-૪, ૫-૭, ૪-૬, ૬-૧થી પરાજય થયો હતો. ૧૧ વર્ષમાં હેવિટ્ટને પહેલી વાર યુએસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.