વર્લ્ડકપ 2011 માટે ઝડપી બોલર શાંતનુકુમારન શ્રીસંતની પસંદગી નથી કરવામાં આવી. પસંદગીકારોએ ફિટ શ્રીસંતના બદલે અનફિટ પ્રવીણ કુમારને ટીમમાં સ્થાન આપીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પરંતુ નિષ્ણાંતોનું માનવામાં આવે તો શ્રીસંત પોતાના હાલ માટે ખુદ જવાબદાર છે. કેરલ એક્સપ્રેસની બાદબાકી પાછ એક જ કારણ સામે આવે છે અને તે છે તેનો બિનજરૂરી ગુસ્સો.
મેદાન પર બોલ પકડતા જ તેનામાં એક પ્રકારનું ઝનૂન આવી જાય છે. તે મેદાન પર ખેલાડીને આંખો બતાવે છે તો ક્યારેક બાખડી પડે છે. જો અમ્પાયર તેના વિરૂદ્ધ નિર્ણય આપે તો તે બાંઉન્ડ્રી પર લગાવવામાં આવેલા દોરડા પર પોતાનો ગુસ્સો નિકાળે છે. તેની આ આક્રમકતાના કારણે તેની બોલિંગ ખોરવાઈ જાય છે અને તે વધારાના રન આપી બેસે છે.
શ્રીસંતનો મેદાન પરનો વર્તાવ ઘણો ખરાબ રહ્યો છે. તાજેતરમાં જ આવા કેટલાક પ્રસંગો બન્યા છે,
- દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સેન્ચુરિયન મેદાન પર પ્રેક્ષકોએ શ્રીસંતનો હૂરિયો બોલાવ્યો હતો. આ અંગેની ફરીયાદ થઈ હતી અને સંબંધિત દર્શકને મેદાન બહાર કરી દેવામાં આવ્યો હતો.
- ડરબનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં શ્રીસંત અને દક્ષિણ આફ્રિકન સુકાની ગ્રીમ સ્મિથ વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્મિથે કહ્યું હતું કે શ્રીસંતે તેના પર અંગત ટીપ્પણી કરી હતી. જે વાતને શ્રીસંતે નકારી કાઢી હતી. શ્રીસંતનું કહેવું હતું કે સ્મિથે તેને સારો બોલર નહોતો કહ્યો.
શ્રીસંતે એવો તો વળતો પ્રહાર કર્યો હતો કે સ્મિથની બોલતી જ બંધ થઈ ગઈ હતી. સાથે જ કેપટાઉન ટેસ્ટના પ્રથમ દાવમાં પાંચ વિકેટ લઈને શ્રીસંતે સ્મિથને ખોટો સાબિત કર્યો હતો.
- કેપટાઉન ટેસ્ટના ત્રીજા દિવસે ફરી શ્રીસંત ચર્ચામાં આવ્યો. બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડિંગ કરી રહેલા શ્રીસંત પર એકાએક દર્શકોએ બોટલો ફેંકી અને અપશબ્દો પણ કહ્યા. શ્રીસંતે અમ્પાયર પાસે જઈને ફરિયાદ કરી. તરત જ દ્રવિડ, લક્ષ્મણ અને સુકાની ધોની ત્યાં પહોંચી ગયા હતા અને મામલાને શાંત પાડ્યો હતો.
હવે આવા જલદીથી રોષે ભરાઈ જતા શ્રીસંતને વર્લ્ડકપ જેવી ટૂર્નામેન્ટમાં સામેલ કરીને કોઈ વિવાદની સ્થિતિથી બચવા માટે પસંદગીકારોએ આશિષ નેહરાને સ્થાન આપ્યું છે.