પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણી ડ્રો કરાવીને વતન પરત ફરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ હવે ભારત સામે પોતાના ઘરઆંગણે રમાનારી ત્રણ ટેસ્ટ મેચની ટેસ્ટ શ્રેણી માટે પોતાની ત્રણ નબળી નસોનો ઈલાજ કરાવીને તેને બ્રહ્માસ્ત્રની જેમ ઉપયોગમાં લેવાની તૈયારીઓ કરી રહ્યું છે.
યજમાન ટીમની ત્રણ નબળી કડીઓ છે વધારાનો ઝડપી બોલર, સ્પિનર અને છઠ્ઠા નંબરનો બેટ્સમેન. આ ત્રણ નબળાઈઓને દૂર કર્યા બાદ જ તે વિશ્વની નંબર એક ભારતીય ટીમને મજબૂત પડકાર આપી શકશે. આ માટે ઘણા ખેલાડીઓને અપનાવવામાં આવ્યા છે પરંતુ તેમની ખોટ પૂરી થઈ શકી છે કે નહીં તે તો શ્રેણી શરૂ થશે ત્યારે જ ખબર પડશે.
વન ડે શ્રેણીમાં પાકિસ્તાન સામે ઘાતક બોલિંગ કરનારા ઝડપી બોલર લોનબાવ સોત્સોબે સાથે વાયેન પાર્નેલને પણ પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં અપનાવવામાં આવ્યા હતા, પરંતુ બન્નેમાંથી કોઈ પણ બોલરને ટેસ્ટ રમવાની તક મળશે નહીં.
ચોથા ઝડપી બોલરની જગ્યા ભરવા માટે બન્ને ઝડપી બોલર સોત્સોબે અને પાર્નેલ વચ્ચે જંગ થશે. જેમાં સોત્સોબે આગળ દેખાઈ રહ્યો છે. તેણે પાકિસ્તાન સામે યુએઈમાં બે ટી20 અને પાંચમાંથી ચાર વન ડે મેચ રમવાની તક મળી હતી. વન ડેમાં તે સાત વિકેટ લઈને સૌથી સફળ બોલર સાબિત થયો હતો.
પાર્નેલ ફક્ત એક જ વન ડે રમી શક્યો હતો અને નવ ઓવરમાં એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. તે ઈજાના કારણે છ મહિનાના વિરામ બાદ મેદાન પર ઉતર્યો છે. ટીમના સહાયક કોચ વિન્સેંટ બાર્નેસને પણ પાર્નેલની ફિટનેસ અંગે શંકા છે. તેથી સોત્સોબેની દાવેદારી પ્રબળ માનવામાં આવે છે.
બાર્નેસ પહેલા પણ સોત્સોબેની પ્રશંસા કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ટેસ્ટ શ્રેણીની પરિસ્થિતી ચાર ઝડપી બોલરો રમાડવાની અનુમતિ નહોતી આપી તેથી મજબૂરીમાં સોત્સોબેને બહાર રાખવો પડ્યો હતો.
સ્પિનરની ભૂમિકામાં પોલ હેરિસ અને જ્હોન બોથા વચ્ચે ટક્કર છે. બન્ને ખેલાડીઓએ આબુધાબીમાં બોલિંગ કરી હતી અને ત્યાં શાનદાર પ્રદર્શન બદલ હેરિસે પોતાનો દાવો મજબૂત કરી લીધો છે પરંતુ બોથાને ભારત અને દક્ષિણ આફ્રિકા બન્ને દેશોમાં ઈન્ડિયન પ્રિમિયર લીગમાં ભારતીય ખેલાડીઓ સાથે રમવાનો અનુભવ છે. માટે તે ભારતીય ખેલાડીઓની નબળાઈઓ પકડવામાં સફળ રહી શકે છે.
છઠ્ઠા બેટ્સમેનના રૂપમાં જગ્યા બનાવવાની દોડમાં એશ્વેલ પ્રિન્સ અને જેપી ડ્યુમિની વચ્ચે જંગ છે. બન્ને ખેલાડીઓ હાલમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. ડ્યુમિની 2008-09ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અંતિમ વખત સારૂ પ્રદર્શન કરી શક્યો હતો બાદમાં તે પોતાનું ફોર્મ ગુમાવી ચૂક્યો છે. જ્યારે પ્રિન્સ પણ ઈંગ્લેન્ડ સામે ડોમેસ્ટિક શ્રેણીમાં પોતાનું પ્રદર્શન પુનરાવર્તિત કરી શક્યો નથી.