જુલિયા જ્યોર્જિસ, બેથેની મેટ્ટકે સેન્ડ્સ તથા રોબટૉ વિન્સીની સંગીન શરૂઆત
રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ સાઉથ આફ્રિકાની ચાનેલી શિપર્સને આસાનીથી ૬-૩, ૬-૧ના સ્કોરથી હરાવીને અહીં રમાતી ઓપન જીડીએફ સુએઝ ટૂનૉમેન્ટની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સ્પર્ધામાં ટોચનો ક્રમાંક ધરાવતી શારાપોવા કોર્ટ પર હરીફ ખેલાડી કરતાં વધારે ઝડપી તથા આક્રમક જણાતી હતી અને તેણે શિપર્સના દસની સામે ૧૯ વિનર્સ ફટકાર્યા હતા. શારાપોવા પ્રથમ વખત આ ટૂનૉમેન્ટમાં રમી રહી છે.
વિમેન્સ સિંગલ્સના અન્ય મુકાબલામાં જુલિયા જ્યોર્જિસે ચેક રાષ્ટ્રની પેટ્રા કેટકોવસ્કાને ૬-૧, ૬-૪થી પરાજય આપ્યો હતો. છઢ્ઢી ક્રમાંકિત જર્મન ખેલાડીએ મેચ પોઇન્ટ પર ઝંઝાવાતી બેકહેન્ડ વિનર ફટકારીને મુકાબલો જીતી લીધો હતો. પ્રથમ રાઉન્ડમાં અમેરિકન ક્વોલિફાયર બેથેની મેટ્ટકે સેન્ડ્સે જર્મનીની ક્રિસ્ટિના બોરિયસને પ્રથમ સેટમાં સંઘર્ષ કર્યા બાદ ૭-૬ (૩), ૬-૨થી હરાવી હતી.
બોરિયસે એક સમયે પ્રથમ સેટને ટાઇબ્રેકર સુધી ખેંચીને અપસેટની સંભાવના ઊભી કરી હતી પરંતુ બેથેનીએ સતત છ પોઇન્ટ હાંસલ કરીને મુકાબલો પોતાના નામે કરી લીધો હતો. અમેરિકન ખેલાડીનો આગામી મુકાબલો સાતમી ક્રમાંકિત રોબટૉ વિન્સી સાથે થશે જેણે રોમાનિયાની સિમોના હાલેપને ૬-૪, ૬-૪થી હરાવી હતી. ચેક રાષ્ટ્રની કાલૉ ઝાકોપાલોવા તથા રોમાનિયાની મોનિકા નિકુલેસ્કુએ પણ પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું.
વાઇલ્ડ કાર્ડ ધરાવતી ફ્રાન્સની પૌલિન પારમેન્ટિયરે સ્પેનની આઠમી ક્રમાંતિ એનાબેલ મદિના ગેરિગુસને ૨-૬, ૬-૩, ૬-૩થી હરાવીને ટૂનૉમેન્ટમાં પોતાની આગેકૂચ જારી રાખી હતી. મદિનાના ૧૫ વિનર્સની સામે ફ્રેન્ચ ખેલાડીએ ૩૧ વિનર્સ ફટકાર્યા હતા. અમેરિકાની ક્રિસ્ટિના મેકહાલેએ તેના જ દેશની વાવૉરા લેપેચેન્કોને ૬-૪, ૭-૫થી હરાવીને તેના અભિયાન પર પૂર્ણવિરામ મૂક્યું હતું.