ઝેઇ જેંગ તથા એના ઇવાનોવિચના અભિયાનનો પણ અંત આવ્યો, મરે ક્વાર્ટર ફાઇનલમાં
પાંચ વખતની ચેમ્પિયન અમેરિકાની સેરેના વિલિયમ્સ રશિયાની એક્ટરિના માકારોવા સામે અપસેટનો ભોગ બનતા વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂનૉમેન્ટની વિમેન્સ સિંગલ્સમાં તેના અભિયાનનો અંત આવ્યો હતો. બીજી તરફ બ્રિટનના એન્ડી મરેને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે કોઇ સંઘર્ષ કરવો પડ્યો નહોતો. પ્રથમ સેટમાં જ સેરેનાએ તાલમેલ ગુમાવી દીધો હતો અને તેણે બીજા સેટમાં પણ વારંવાર સામાન્ય ભૂલો કરી હતી જેના કારણે તેનો રશિયન ખેલાડી સામે ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો.
ચીનની ઝેઇ જેંગનો પણ ઇટાલીની સારા ઇરાની સામે ૬-૨, ૬-૧થી પરાજય થતાં વિમેન્સ સિંગલ્સમાં બીજો અપસેટ નોંધાયો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયન ઓપનની વિમેન્સ સિંગલ્સમાં ચીનના અભિયાનનો અંત આવ્યો હતો. રવિવારે ક્લાઇસ્ટર્સે ચીનની લી નાને ગ્રાન્ડસ્લેમમાંથી બહાર કરી દીધી હતી. સેરેનાના પરાજયના કારણે વિમ્બલડન ચેમ્પિયન પેટ્રા ક્વિટોવા અને રશિયાની મારિયા શારાપોવાને ફાયદો થઇ શકે છે. વર્તમાન ચેમ્પિયન ક્લાઇસ્ટર્સને ઇજા થઇ હોવાથી તેનું આગામી રાઉન્ડમાં પહોંચવું મુશ્કેલ બને તેમ છે.
કાળઝાળ ગરમી વચ્ચે શક્તિશાળી રમતનું પ્રદર્શન કરીને બ્રિટિશ ખેલાડી મરેએ કઝાકિસ્તાનના મિખાઇલ કુકુશકિને ઇજાના કારણે મુકાબલો પડતો મૂકતા તેણે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. લગભગ ૪૯ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં મરે જ્યારે ૬-૧, ૬-૧, ૧-૦ના સ્કોરથી આગળ હતો. વિમેન્સ સિંગલ્સના ટાઇટલ માટે ફેવરિટ ગણાતી ક્વિટોવાએ સર્બિયાની એના ઇવાનોવિચને ૬-૨, ૭-૬(૭-૨)થી હરાવી હતી.