મેન્સ સિંગલ્સના પ્રથમ ક્રમાંકિત નોવાક જોકોવિચ, બ્રિટનના એન્ડી મરે, અમેરિકાની સેરેના વિલિયમ્સ તથા રશિયાની મારિયા શારાપોવાએ પોતપોતાના મુકાબલા આસાનીથી જીતી લીધા હતા. બીજી તરફ વિમેન્સ સિંગલ્સમાં પેટ્રા ક્વિટોવાએ એક વખત પરાજયના દ્વારે આવ્યા બાદ વળતો પ્રહાર કરીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. વર્તમાન ચેમ્પિયન જોકોવિચે કોલંબિયાના સેન્ટિયાગો ગિરાલ્ડોને ૬-૩, ૬-૨, ૬-૧થી હરાવ્યો હતો. જોકોવિચનો આ સતત ૪૧મો વિજય હતો. સેરેનાએ પોતાની કારકિર્દીનો ૫૦૦મો વિજય મેળવીને ચેક રાષ્ટ્રની બારબોરા ઝાલાવોવા સ્ટ્રાયકોવાને ૬-૦, ૬-૪થી પરાજય આપ્યો હતો.
મેન્સ સિંગલ્સના ચોથા ક્રમાંકિત એન્ડી મરેએ પણ શાનદાર રમતનું પ્રદર્શન કરીને ફ્રાન્સના રોજર વેસેલિનને બે કલાક કરતાં પણ ઓછા સમયમાં ૬-૧, ૬-૪, ૬-૪થી હરાવ્યો હતો. ભૂતપૂર્વ ચેમ્પિયન મારિયા શારાપોવાએ અત્યાર સુધીના બે મુકાબલામાં માત્ર બે ગેમ ગુમાવી હતી અને તેણે અમેરિકાની જેમી હામ્પટનને ૬-૦, ૬-૧થી હરાવી હતી. શારાપોવાએ પ્રથમ રાઉન્ડમાં પણ ડુલ્કોને ૬-૦, ૬-૧ના સ્કોરથી હરાવી હતી. બીજી ક્રમાંકિત ક્વિટોવાને ત્રણ સેટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે પ્રથમ સેટને આસાનીથી જીતી લીધો હતો પરંતુ બીજો સેટ ગુમાવ્યા બાદ નિર્ણાયક સેટમાં તેને હરીફ ખેલાડીએ ભારે સંઘર્ષ કરાવ્યો હતો. આખરે ક્વિટોવાએ મેચને ૬-૨, ૨-૬, ૬-૪થી જીતી લઇને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું.
સેરેનાએ આસાન વિજય સાથે ૪૭ ગ્રાન્ડસ્લેમમાં એકને બાદ કરતાં તમામમાં ત્રીજા રાઉન્ડમાં પહોંચવાનો પોતાનો વિક્રમ અકબંધ રાખ્યો હતો. મેચના અંત ભાગમાં ઘૂંટણમાં દુખાવો થતા સેરેનાને કોર્ટ પર સારવાર આપવામાં આવી હતી. એન્ના ઇવાનોવિચે હોલેન્ડની મિચેલા ક્રાઇઝેકને ૬-૨, ૬-૩થી હરાવી હતી જ્યારે રશિયાની સાતમી ક્રમાંકિત વેરા ઝેવાનારેવાએ ચેક રાષ્ટ્રની લ્યૂસી હાડ્રેસ્કાને ૬-૧, ૭-૬થી હરાવીને આગામી તબક્કામાં પ્રવેશ કર્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં એનેસ્તેશિયા પાવલ્યુચેન્કોવા, ૨૫મી ક્રમાંકિત કેઇયા કેનેપી તથા ૨૯મી ક્રમાંકિત નાદિયા પેટ્રોવાના અભિયાનનો અંત આવ્યો હતો.
મેન્સ સિંગલ્સમાં સ્પેનના પાંચમા ક્રમાંકિત ડેવિડ ફેરરને પણ વિજય મેળવવા માટે પાંચ સેટ સુધી ઝઝૂમવું પડ્યું હતું. ફેરરે અમેરિકાના રેયાન સ્વિટિંગને ૬-૭, ૬-૨, ૩-૬, ૬-૨, ૬-૩થી હરાવ્યો હતો. છઠ્ઠા ક્રમાંકિત જો-વિલ્ફ્રેડ સોંગાએ બ્રાઝિલના રિકાર્ડો મેલોને ૭-૫, ૬-૪, ૬-૪થી, સર્બિયાના જાન્કો ટિપ્સરેવિચે સ્પેનના માર્સેલ ગ્રોનોલર્સને ૬-૩, ૪-૬, ૭-૬, ૬-૪થી તથા આર્જેન્ટિનાના જુઆન ઇગ્નિસિયા ચેલાએ સ્પેનના પાબ્લોને ૬-૪, ૬-૪, ૬-૩થી હરાવીને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું.
સાનિયા-વેસનિના વિમેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં
સાનિયા મિર્ઝા અને તેની રશિયન સાથીદાર ઇલેના વેસનિનાએ ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂનૉમેન્ટની વિમેન્સ ડબલ્સમાં ગ્રીસની ઇલેની ડેનિલિડોયૂ અને રશિયાની એલેકઝાન્ડ્રા પાનોવાને ૬-૦, ૬-૨થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. છઠ્ઠો ક્રમાંક ધરાવતી ઇન્ડો-રશિયન જોડીએ માત્ર ૫૦ મિનિટમાં કોઇ પણ જાતની મુશ્કેલી વિના મુકાબલો જીતી લીધો હતો.
સાનિયા અને વેસનિનાએ પૂરી મેચમાં ૨૬ની સામે ૫૪ પોઇન્ટ હાંસલ કર્યા હતા. પ્રારંભિક સેટમાં સાનિયા અને વેસનિનાએ શાનદાર તાલમેલવાળી રમતનું પ્રદર્શન કરીને માત્ર ૧૯ મિનિટમાં સરસાઇ મેળવી લીધી હતી. બીજા સેટમાં છઢ્ઢી ક્રમાંકિત જોડી સામે ઇલેની તથા એલેક્ઝાન્ડ્રાએ કંઇક અંશે સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો.