સુકાની મહેન્દ્રસિંહ ધોનીનાં રાજ્ય ઝારખંડનાં ક્રિકેટપ્રેમીઓ પોતાના જોરદાર પ્રદર્શનનાં આધારે ભારતીય ટીમમાં પસંદગી પામેલા બેટ્સમેન સૌરભ તિવારીને એશિયા કપની એક પણ મેચમાં ટીમનાં અંતિમ 11માં સ્થાન નહીં આપવા કારણે ખૂબ જ નારાજ થયાં છે.
મંગળવારે શ્રીલંકા વિરુદ્ધ ભારતીય ટીમની શરમજનક હાર બાદ આ ગુસ્સો ખૂબ જ વધી ગયો છે. આઈપીએલ-3માં ઉપવિજેતા મુંબઈ તરફથી 419 રન બનાવી આઈપીએલનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાં તે આઠમા સ્થાને રહ્યો હતો.પરંતુ છેલ્લે રમાયેલી ત્રણ મેચમાંથી એક પણ મેચમાં સૌરભને ટીમમાં સામેલના કરતા તેના પ્રશંસકો નારાજ થયાં છે.
સૌરભના એક પ્રસંશક શિવાશીષે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધોનીએ શ્રીલંકા સામેની અંતિમ લીગ મેચમાં સૌરભને તક આપી શકતો હતો. વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી કોઈ ખાસ પ્રદર્શન કર્યુ નથી. પરંતુ ઈન ફોર્મ તિવારીને તક કેમ ના આપવામાં આવી તે તેને સમજાતુ નથી.
સૌરભની ભારતીય ટીમમાં પસંદગી થતાં ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ(જેએસસીએ) દ્વારા અહીં 9 જૂને ધમાકેદાર પાર્ટીમાં સામેલ થયેલ એક ક્રિકેટ પ્રેમીએ જણાવ્યું હતું કે ધોની આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડી જાહેર કરાયેલા સૌરભને રમવાની તક ન આપી આખરે શું સાબિત કરવા માંગે છે. સુકાની મહેન્દ્રસિંહ ધોની સૌરભની વધતી લોકપ્રિયતાને સહન નથી કરી રહ્યો.
ઝારખંડમાં રમાયેલી દરેક આંતરરાષ્ટ્રીય મેચ નિહાળનાર ટેલ્કોમાં રહેનાર અરુણકુમાર નારાજ થઈ જણાવે છે કે ક્યારેક ક્યારેક એવું લાગે છે કે સૌરભની સાથે જાણી જોઈને અન્યાય કરવામાં આવી રહ્યો છે.તેને આઈપીએલ બાદ ઝીમ્બાબ્વે પ્રવાસ માટે પસંદ કરવાનો હતો પરંતુ તેને ઈન્ડિયા એ ટીમમાં પસંદ કરાયો નહતો.
છેલ્લે, હવે જ્યારે ભારતીય ટીમમાં તેને પસંદ કરવામાં આવ્યો છે તો પછી કારણ વગર તેને શા માટે બેસાડી રાખવામાં આવી રહ્યો છે. આવા ખેલાડીને રમવાની તક આપવી જોઈએ. પરંતુ, ધોની આ મામલે પહેલ નથી કરતો તે યોગ્ય નથી. શું તે નથી ઈચ્છતો કે તેના રાજ્યમાંથી બીજા એક સ્ટારનો ઉદય થાય.