ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પોતાના આક્રમક મિજાજનો પરચો આપીને અહીં રમાતી પતાયા ઓપન ટેનિસ ટૂનૉમેન્ટની સિંગલ્સમાં બ્રિટનની એન્ના કેથાવોંગને ૬-૪, ૭-૫થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
બિનક્રમાંકિત ખેલાડી તરીકે રમી રહેલી સાનિયાએ બ્રિટિશ ખેલાડી સામે લગભગ એક કલાક અને ૪૦ મિનિટ સુધી સંઘર્ષ કરીને વિજય હાંસલ કર્યો હતો. ડબ્લ્યૂટીએ વિમેન્સ સિંગલ્સ રેન્કિંગમાં ૮૮મો ક્રમાંક ધરાવતી કેથાવોંગે પ્રારંભિક મુકાબલામાં જ સ્લોવાકિયાની ડોમિનિકા સબિુલકોવાને હરાવીને ટૂનૉમેન્ટનો મેજર અપસેટ સર્જ્યો હતો.
સાનિયાએ પોતાની ઓસ્ટ્રેલિયન સાથીદાર એનેસ્તેશિયા રોડિયોનોવા સાથે ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો. ડબલ્સમાં સાનિયા અને રોડિયોનોવાએ પોતાની હરીફ જોડીને એક પણ તક આપ્યા વિના પ્રથમ રાઉન્ડના મુકાબલામાં ૬-૦, ૬-૨થી હરાવી હતી.
સિંગલ્સના મુકાબલામાં સાનિયાએ બીજા સેટમાં શક્તિશાળી સર્વિસ કરીને હરીફ ખેલાડી માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી. ૧૧મી ગેમમાં સાનિયા મહત્વપૂર્ણ બ્રેકપોઇન્ટને બચાવવામાં સફળ રહી હતી. ત્યારબાદ તેણે કેથાવોંગની બીજી વખત સર્વિસ બ્રેક કરીને મુકાબલો પોતાના નામે કરી લીધો હતો.