Advertisement
Home >> Sports >> Other Sports >> Sania Bhupathi Win French Open Mixed Title

ફ્રેન્ચ ઓપન : સાનિયા-ભૂપતિનો ભવ્ય વિજય

Agency, Paris | Jun 09, 2012, 06:17AM IST
 
 

મિક્સ ડબલ્સની ફાઇનલમાં ક્લાડિયા તથા સેન્ટિયાગોની જોડીને ૭-૬, ૬-૧થી પરાજય આપ્યો

ભારતના અનુભવી ખેલાડી મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝાની સાતમી ક્રમાંકિત જોડીએ ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મિક્સ ડબલ્સનું ટાઇટલ જીતીને ભારતીય ટેનિસમાં નવો ઇતિહાસ રચ્યો હતો. ભૂપતિ અને સાનિયાએ ફાઇનલ મુકાબલામાં ક્લાડિયા તથા સેન્ટિયાગો ગોન્ઝાલેઝની બિનક્રમાંકિત જોડીને ૭-૬, ૬-૧થી હરાવી હતી. ભૂપતિ અને સાનિયાએ મિક્સ ડબલ્સમાં આ બીજો ગ્રાન્ડસ્લેમ જીત્યો છે. બંનેએ અગાઉ ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. ભૂપતિનો કુલ આ ૧૨મો ગ્રાન્ડસ્લેમ છે જેમાં આઠ મિક્સ ડબલ્સનો સમાવેશ થાય છે. સાનિયા ૨૦૦૯માં ગ્રાન્ડસ્લેમ જીતનારી પ્રથમ ભારતીય મહિ‌લા ખેલાડી બની હતી અને આ તેનો બીજો ગ્રાન્ડસ્લેમ છે.

ભૂપતિ અને સાનિયાને ફાઇનલની શરૂઆતમાં તાલમેલ બેસાડવામાં થોડોક વિલંબ થયો હતો જેનો હરીફ જોડીએ ફાયદો ઉઠાવીને સરસાઇ ૪-૨ની કરી નાખી હતી. ભારતીય જોડી પોતાની ત્રીજી સર્વિ‌સ બચાવવામાં સફળ રહી હતી અને ત્યાર બાદ બ્રેક પોઇન્ટ પોતાની તરફેણમાં કરીને સ્કોર પ-પથી સરભર કર્યો હતો. આખરે આ સેટ ટાઇબ્રેકર સુધી ખેંચાયો હતો જેમાં ભારતીય જોડીનો અનુભવ હરીફ ખેલાડીઓ પર ભારે પડયો હતો. આ સેટ ૪૭ મિનિટ સુધી રમાયો હતો. ભૂપતિની સર્વિ‌સ ધમાકેદાર રહી હતી અને સાનિયાએ નેટ્સ પર શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. બીજા સેટને જીતવામાં તથા ગ્રાન્ડસ્લેમ જીતવામાં ભૂપતિ તથા સાનિયાને ત્યારબાદ ઘણો ઓછો સમય લાગ્યો હતો.

ભારતીય જોડીએ બીજા સેટમાં જ પોલેન્ડ તથા મેક્સિકન ખેલાડીની જોડીની સર્વિ‌સ તોડીને પાંચમી તથા સાતમી ગેમમાં બ્રેક પોઇન્ટ હાંસલ કરીને ગ્રાન્ડસ્લેમ તરફ આગેકૂચ કરી હતી.

ઓલિમ્પિક્સમાં અમને હરાવવા આસાન નહીં રહે : સાનિયા

લંડન ઓલિમ્પિક્સમાં વાઇલ્ડ કાર્ડની આતુરતાથી રાહ જોઇ રહેલી સાનિયા મિર્ઝાએ ફ્રેન્ચ ઓપન મિક્સ ડબલ્સનો ગ્રાન્ડસ્લેમ અણીના સમય પર જીત્યો છે. ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાની સાનિયા પાસે આ છેલ્લી તક રહેશે અને તે લંડન ગેમ્સમાં રમવા માટે આતુર છે. સાનિયાને આશા છે કે તે ભૂપતિ સાથે લંડન ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે છે. સાનિયાએ જણાવ્યું હતું કે ટેનિસમાં પ્રત્યેક દિવસ નવો હોય છે પરંતુ અમે સાબિત કરી આપ્યું છે કે અમને હરાવવા આસાન નથી. મિક્સ ડબલ્સના ટાઇટલથી મેં લંડન ગેમ્સ માટે મારો દાવો વધારે મજબૂત કર્યો છે. ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ જીતવો એક મોટી સિદ્ધિ સમાન છે. મને ખાતરી છે કે ઓલિમ્પિક્સ માટે મને વાઇલ્ડ કાર્ડ મળશે. સાનિયાએ જણાવ્યું હતું કે ભૂપતિ સાથે મારે હવે ઓલિમ્પિક્સની તૈયારી માટે અલગ પ્રકારના ગ્રાસ કોર્ટ પર મહેનત કરવી પડશે.

ભૂપતિ પેસના વિક્રમથી એક કદમ દૂર

નવી દિલ્હી : વિશ્વના શાનદાર ડબલ્સ ખેલાડીઓમાં સ્થાન ધરાવતો મહેશ ભૂપતિ ભારતના અન્ય એક ખેલાડી લિએન્ડર પેસના ૧૩ ગ્રાન્ડસ્લેમ જીતવાના વિક્રમથી એક ટાઇટલ દૂર છે. સાનિયા મિર્ઝા સાથે ભૂપતિ ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમની મિક્સ ડબલ્સમાં ચેમ્પિયન બન્યો છે અને આ તેનું બારમું ટાઇટલ છે. ૨૦૦૬માં ભૂપતિએ કારકિર્દીમાં ચારેય ગ્રાન્ડસ્લેમના ડબલ્સ ટાઇટલ જીતવાની સિદ્ધિ મેળવી હતી. ભૂપતિ અને પેસની જોડી ૧૯૯૯માં તમામ ચારેય ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચી હતી અને તેમણે ફ્રેન્ચ ઓપન તથા વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ જીત્યા હતા.
 
 
 

Your Opinion
 
 
Code:
6 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment