કોણ તોડશે વનડે ક્રિકેટનો આ વર્લ્ડ રેકોર્ડ, જુઓ વીડિયો
1996માં શ્રીલંકાને વનડે ક્રિકેટનો વર્લ્ડકપ જીતાડવામાં તેના વિસ્ફોટક ઓપનર સનથ જયસૂર્યાની ભૂમિકા ઘણી જ મહત્વની રહી હતી. આ વિસ્ફોટક ઓપનરનો આજે એટલે કે 30 જૂનના રોજ જન્મ દિવસ છે. 1969ના રોજ જન્મેલો જયસૂર્યા સચિન તેંડુલકરની જેમ શ્રીલંકન ક્રિકેટનો એક મહત્વનો ખેલાડી છે.
જયસૂર્યા જ પ્રથમ એવો ખેલાડી છે જેણે 400 વનડે રમવાની સિદ્ધિ મેળવી હોય. જો કે હવે સચિન તેંડુલકર પણ આ સિદ્ધિ ધરાવે છે. જયસૂર્યા પોતાની બેટિંગ અને બોલિંગ બન્ને વડે વિરોધીઓ પર ભારે પડતો હતો. 2007માં વનડેમાં તે 300 વિકેટ લેનારો ત્રીજો સ્પિનર બન્યો હતો.
જો કે વનડેમાં જયસૂર્યાએ બનાવેલો સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ હજી સુધી કોઈ તોડી શક્યું નથી. 7 એપ્રિલ 1996ના રોજ પાકિસ્તાન સામે સિંગર કપની ફાઈનલ મેચમાં જયસૂર્યાએ એસપી ઓ’ડોનેલ (18 બોલમાં અડધી સદી)નો સૌથી ઝડપી અડધી સદીને રેકોર્ડ તોડ્યો હતો. જયસૂર્યાએ 17 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. આ રેકોર્ડ હજી પણ કોઈ બેટ્સમેન તોડી શક્યું નથી.
આ મેચમાં 216 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની પ્રથમ વિકેટ 70 રન પર કાલુવિથરનાના રૂપમાં પડી હતી. તે ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. એટલે કે તે 70 રનમાં 66 રન જયસૂર્યાના હતા અને 4 એક્સ્ટ્રા રન હતા. જયસૂર્યા 8 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 28 બોલમાં 78 રન બનાવીને આઉટ થયો હતો. અંતે શ્રીલંકા 172 રનમાં ઓલ-આઉટ થઈ ગયું હતું.





