કોરિયા ઓપનમાં ભારતીય મહિલા ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પ્રવેશી
ભારતની ટોચની ક્રમાંકિત વિમેન્સ સિંગલ્સ બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ સહિત જવાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ પોતપોતાના મુકાબલા જીતી લઇને કોરિયન ઓપન ટૂનૉમેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.
બુધવારે રમાયેલા વિમેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડના મુકાબલામાં વિશ્વની ચોથી ક્રમાંકિત સાઇનાએ સ્કોટલેન્ડની સુકાની એગેલ્સટોફને ૨૧-૫, ૨૧-૬થી પરાજય આપ્યો હતો. સાઇનાએ માત્ર ૨૪ મિનિટમાં આ મુકાબલાને જીતી લીધો હતો. લંડન ઓલિમ્પિક્સમાં શાનદાર દેખાવ કરવા માટે આતુર બનેલી સાઇનાએ વિજય સાથે નવી સિઝનનો પ્રારંભ કર્યો છે.
વિમેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં જવાલા અને પોનપ્પાની જોડીએ મલેશિયાની વિવિયન કાહ મૂન હૂ તથા વેઇ વૂનની જોડીને ૩૪ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં ૨૧-૧૯, ૨૧-૧૮થી પરાજય આપ્યો હતો. મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં અજય જયરામનો મુકાબલો કોરિયાના વાન હૂ શોન સામે થવાનો હતો તે પ્રથમ ગેમમાં જ રિટાયર્ડ થયો હતો.