વિમેન્સ ડબલ્સમાં જ્વાલા-પોનપ્પાની જોડીનો પરાજય
ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે કોરિયન ઓપન સુપર સિરીઝ ટૂનૉમેન્ટના બીજા રાઉન્ડમાં ચાઇનીઝ તાઇપાઇની શાઓ ચિયા ચેંગને સીધી ગેમમાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ચોથો ક્રમાંક ધરાવતી સાઇનાએ વિમેન્સ સિંગલ્સમાં ૩૬ મિનિટ સુધી રમાયેલા મુકાબલાને ૨૧-૧૪, ૨૧-૧૦થી જીતી લીધો હતો.
સાઇનાનો આગામી મુકાબલો ચીનની યાનજિઓ જિયાંગ તથા થાઇલેન્ડની ઇંથાનોન રાટચાનોક વચ્ચે રમાનારી મેચની વિજેતા સાથે થશે. જવાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીને ચીનની ઝિયાવોલી વાંગ તથા યાંગ યૂની ટોચની ક્રમાંકિત જોડી સામે ૩૪ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં ૧૦-૨૧, ૧૭-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો.
વિમેન્સ સિંગલ્સમાં ચોથો ક્રમાંક ધરાવતી સાઇનાને વિશ્વની ૧૧મી ક્રમાંકિત ચેંગ સામે વિજય મેળવવા વધારે મહેનત કરવી પડી નહોતી અને તેણે રેલી શોટ્સ દ્વારા હરીફ ખેલાડીને સતત દબાણમાં રાખી હતી. સાઇનાએ પ્રથમ ચાર પોઇન્ટ બનાવીને જલદીથી ૧૦-૨ની સરસાઇ મેળવી લીધી હતી.