માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની મહાસદીની રાહ વધુ લંબાઈ શકે છે. કેમ કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 12 ફેબ્રુઆરીના રોજ એડિલેડમાં રમાનારી ત્રિકોણીય શ્રેણીની વનડેમાં તેને આરામ અપાય તેવી શક્યતા છે.
રોટેશન નીતિ અંતર્ગત ટીમ ઈન્ડિયાને તેના ટોચના ત્રણ બેટ્સમેનોને વારાફરથી બ્રેક આપવાનો નિર્ણય કર્યો છે. વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગને ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડેમાં આરામ આપવામાં આવ્યો હતો. જ્યારે પર્થ ખાતે શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલી બીજી વનડેમાં ગૌતમ ગંભીરને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો.
હવે આ ક્રમમાં વારો આવે છે સચિન તેંડુલકરનો. જો કે સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ આ વાતની પુષ્ટિ નથી કરી કે સચિનને આરામ આપવામાં આવશે કે નહીં. પરંતુ તેણે તે કહ્યું છે કે રોટેશન નીતિ ચાલું રહેશે જેથી કરીને મધ્ય ક્રમમાં રોહિત શર્મા માટે જગ્યા રહે.
જો કે હાલમાં સચિન ઘણા સારા ફોર્મમાં રમી રહ્યો છે. શ્રીલંકા વિરૂદ્ધ તેણે 48 રનની ઈનિંગ્સ રમી હતી. છેલ્લી 27 ઈનિંગ્સથી સચિન 99 સદી પર અટક્યો છે. તેણે પોતાની અંતિમ સદી ગયા વર્ષે માર્ચમાં ફટકારી હતી.