એક ટેલિવીઝન કાર્યક્રમ દરમિયાન સ્પોટ ફિક્સિંગ અને ફિક્સિંગ સ્કેન્ડલ અંગે બોલનાર વિકેટકિપિંગ કોચ અને પૂર્વ સુકાની રશિદ લતિફને પાકિસ્તાનની ક્રિકેટ બોર્ડ દ્વારા નોટીસ પાઠવી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર લતિફ આ નોટિસના જવાબ સાથે પદ પરથી કદાચ રાજીનામું આપે તેવી શક્યતાઓ છે.
એક નિકટના સૂત્રએ જણાવ્યું હતું કે, જીઓ સુપર ચેનલ પર પ્રખ્યાત સ્પોર્ટ્સ ટોક શો દરમિયાન સ્પોટ ફિક્સિંગ અને ફિક્સિંગ અંગે લતિફે કેટલીક કોમેન્ટ કરી હતી. જેના જવાબમાં બોર્ડ પણ સામે સખત પગલા લઇ શકે છે. અને બની શકે કે લતિફને પદ પરથી રાજીનામું આપવા માટે પણ જણાવી શકે છે.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે લતિફને નોટિસમાં પીસીબીનો કર્મચારી હોવા છતાં શા માટે બોર્ડની પરવાનગી માંગ્યા વગર તે શોમાં ગયો હતો. તે અંગે માહિતી આપવા જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે શોમાં લતિફે કહ્યું હતું કે, જે થયું છે તે માટે એજાઝ બટ્ટ જવાબદાર છે કારણ કે તેઓએ આઇસીસીના હસ્તક્ષેપની રાહ જોયા વગર સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને આમિરને સસ્પેન્ડ કરી દેવા જોઇતા હતા.