11 જાન્યુઆરી 1973માં જન્મેલા ટીમ ઈન્ડિયાના મિસ્ટર કૂલ બેટ્સમેન રાહુલ દ્રવિડ મેદાન પર હંમેશા મગજને શાંત રાખીને બેટિંગ કરે છે. ના તો તે ક્યારેય ગુસ્સે થાય છે કે ના તો તે વિરોધી ખેલાડીઓ સામે બોલાચાલી કરે છે. ના તો આઉટ થવા પર અમ્પાયરના નિર્ણય સામે કોઈ પ્રતિક્રિયા આપે છે. પરંતુ ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે એક વખત દ્રવિડ આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં તે રડી પડ્યો હતો.
આ વાત ત્યારની છે જ્યારે દ્રવિડ જૂનિયર ક્રિકેટ ટીમનો હિસ્સો હતો. એખ મેચ દરમિયાન દ્રવિડ જલદીથી આઉટ થઈ ગયો હતો. દ્રવિડને આ વાતથી એટલું તો લાગી આવ્યું હતું કે તે ડ્રેસિંગ રૂમમાં જઈને રડી પડ્યો હતો. દ્રવિડને રડતો જોઈને તેના સાથી ખેલાડીઓએ તેની મજાક ઉડાડવાનું શરૂ કર્યુ હતું.
દ્રવિડ આ વાતને પોતાના જીવનની સૌથી શરમજનક ઘટના માને છે. દ્રવિડે બેંગ્લોરની સેન્ટ જોસેફ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. દ્રવિડે સ્કૂલ ક્રિકેટની પદાર્પણ મેચમાં જ સદી ફટકારીને પોતાની પ્રતિભાનો પરચો આપી દીધો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લાગેલા એક સમર કેમ્પમાં રાહુલ દ્રવિડને બેટિંગ કરતો જોઈને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર કેકી તારપોર ઘણા પ્રભાવિત થયા હતા. પછી દ્રવિડની ગાડી પૂર ઝડપે ચાલવા માંડી હતી.
કેવી રીતે બન્યો દ્રવિડ રાહુલથી જેમી
દ્રવિડના પિતા જામ બનાવનારી જાણીતી કિસ્સાન કંપનીમાં કામ કરતા હતા. તેથી તેના મિત્રો તેને જેમી કહીંને બોલાવતા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યા બાદ દ્રવિડે આ કંપની માટે એક જાહેરખબરમાં કામ પણ કર્યુ હતું.
દ્રવિડને પસંદ છે થ્રિલર નોવેલ
રાહુલ દ્રવિડ એક શાંત સ્વભાવનો વ્યક્તિ છે. દ્રવિડને સ્ટિંગ, ક્રિસ ડે બર્ગ, કિશોર કુમાર અને લતા મંગેશકરનો અવાજ પસંદ છે. રોમાંચક અને રહસ્યમય પુસ્તકો વાંચવાનો રાહુલનો શોખ છે. રાહુલ દ્રવિડને બોલિવૂડની કોઈ અભિનેત્રી પસંદ નથી. તેની ફેવરિટ અભિનેત્રીઓમાં ડેમી મૂર અને મિશેલ ફિફર સામેલ છે.