વિમેન્સ સિંગલ્સમાં અપસેટ સર્જાયા બાદ ક્રમાંકિત ખેલાડીઓનો બીજા રાઉન્ડમાં પ્રવેશ
યુએસ ઓપન ચેમ્પિયન તથા ઓસ્ટ્રેલિયાની સ્ટાર ટેનિસ ખેલાડી સમાન્થા સ્ટોસુર વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટૂનૉમેન્ટના પ્રથમ રાઉન્ડમાં સીધા સેટમાં પરાસ્ત થઇને આઉટ થઇ ગઇ હતી જ્યારે ચેક રાષ્ટ્રની પેટ્રા ક્વિટોવા તથા મેન્સ સિંગલ્સના પ્રથમ ક્રમાંકિત નોવાક જોકોવિચે આસાન વિજય સાથે પોતાની આગેકૂચ જારી રાખી હતી.
આ ઉપરાંત મારિયા શારાપોવા સહિત કેટલાક ક્રમાંકિત ખેલાડીઓ પણ પોતપોતાના મુકાબલા જીતી લઇને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સેરેના વિલિયમ્સને હરાવીને પોતાનો પ્રથમ ગ્રાન્ડસ્લેમ જીતનાર છઢ્ઢી ક્રમાંકિત સ્ટોસુરને રોમાનિયાની ૫૯મી ક્રમાંકિત સોરેના ક્રિસ્ટિયાએ ૭-૬ (૭-૨), ૬-૩થી પરાજય આપ્યો હતો. ૧૯૭૮ બાદ ક્રિસ ઓ નિલના વિજય બાદ કોઇ પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી ઘરઆંગણાનો ગ્રાન્ડસ્લેમ જીતવામાં સફળ રહ્યો નથી.
છેલ્લાં ચાર વર્ષમાં ત્રણ ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બનેલા જોકોવિચે ઇટાલીના પાઓલા લોરેન્જીને ૬-૨, ૬-૦, ૬-૦થી હરાવીને તેને ટેનિસના પાઠ શીખવ્યા હતા. જોકોવિચે લાલ, સફેદ તથા લીલા કલરના શૂઝ પહેર્યા હતા જેમાં તેની ત્રણેય મેજર ટ્રોફીની તસવીર અંકિત થયેલી છે. તેને સતત ૧૭ ગેમ જીતીને મેચ પોતાના નામે કરી લીધી હતી. ગયા વર્ષે વિમ્બલડનની વિજેતા પરંતુ યુએસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં જ પરાસ્ત થયેલી પેટ્રા ક્વિટોવાએ પણ પોતાની પ્રથમ સર્વિસ ગુમાવ્યા બાદ સતત ૧૨ ગેમ જીતીને રશિયાની વેરા ઝેવોનારેવાને ૬-૨, ૬-૦થી પરાજય આપ્યો હતો.
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન અને વિમ્બલડન ચેમ્પિયન રશિયાની મારિયા શારાપોવાએ પણ પ્રથમ આઠ ગેમ જીતીને આર્જેન્ટિનાની ગિસેલા ડુલ્કોને ૬-૦, ૬-૧થી હરાવીને પોતાના અભિયાનની સંગીન શરૂઆત કરી હતી. આ ઉપરાંત શહર પીઅરે ઇસાબેલા હોલેન્ડને ૬-૨, ૬-૦થી, ચીનની જેઇ ઝેંગે અમેરિકાની મેડિસન કેઇસને ૬-૨, ૬-૧થી, રશિયાની ૨૭મી ક્રમાંકિત મારિયા કિરિલેન્કોએ ઓસ્ટ્રેલિયાની જર્મિલા ગાજડોસોવાને ૬-૪, ૬-૨થી, રશિયાની ૧૮મી ક્રમાંકિત સ્વેતલાના કુઝનેત્સોવાએ સાઉથ આફ્રિકાની ચેનેલી શિપરને ૬-૩, ૩-૬, ૬-૦થી તથા વેરા ઝેવાનારેવાએ એલેકઝાન્ડ્રાને ભારે સંઘર્ષ બાદ ૭-૬ (૭-૪), ૭-૬ (૫-૭), ૬-૩થી પરાજય આપ્યો હતો.