દક્ષિણ આફ્રિકા સામેની અંતિમ વન ડેમાં તોફાની બેટિંગ કરીને યુસુફ પઠાણે વિશ્વની તમામ ક્રિકેટ ટીમોને ચેતવણી આપી દીધી છે કે તે વર્લ્ડકપમાં કોઈ પણ બોલરને ઝૂડી શકે છે. દક્ષિણ આફ્રિકા સામે પાંચમી વન ડેમાં યુસુફે જે રીતે બેટિંગ કરી તે જોઈને વિશ્વના ટોચના બોલરો પણ ચિંતામાં પડી ગયા હશે.
દબાણની સ્થિતિમાં પણ યુસુફે કરેલી આક્રમક બેટિંગ કાબિલે દાદ છે. જે બોલરો સામે ભારતના ટોપ ઓર્ડરે ઘૂંટણ ટેકવી દીધા હતા તે બોલરો સામે યુસુફે મન મૂકીને ચોગ્ગા છગ્ગા ફટકાર્યા હતા. પઠાણે ફટકારેલા આઠ છગ્ગામાંથી રોબિન પીટરસનના બોલ પર રિવર્સ સ્વીપથી ફટકારેલો છગ્ગો જોવા લાયક હતો.
બોથાની લય બગાડી – આ શ્રેણીની ત્રીજી વન ડેમાં તેણે પોતાની 59 રનની ઈનિંગ્સમાં સ્પિનર જોહાન બોથાની એક ઓવરમાં ત્રણ ગગનચૂંબી છગ્ગા લગાવીને તેની હાલત ખરાબ કરી દીધી હતી. પાંચમી વન ડેમાં પણ તેણે બોથાની ઓવરમાં સતત બે છગ્ગા ફટકાર્યા હતા.
લાજવાબ છે પઠાણ – પઠાણની વિસ્ફોટક બેટિંગનો અંદાજો તે વાત પરથી લગાવી શકાય છે કે 45 વન ડેમાં તેનો સ્ટ્રાઈક રેટ 115.09 છે. આ વન ડે મેચોમાં તેણે 603 બોલનો સામનો કર્યો છે જેમાં તેણે 694 રન બનાવ્યા છે. સાતમાં નંબરે આવીને તેણે આ રીતે બે સદી ફટકારી છે જે ટોચના બેટ્સમેનોને શરમાવે તેવી વાત છે.
પઠાણને રોકવો મુશ્કેલ હશે – વર્લ્ડકપ ભારતીય ઉપખંડોની પિચો પર રમાવાનો છે જે પઠાણ માટે બહુ અનુકૂળ છે. વિશ્વના ટોચના ઝડપી બોલરો ખાસ કરીને દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના બોલરોને આ પિચો પર તેટલો ઉછાળ નથી મળતો જેવો તેમને તેમની ધરતી પર મળે છે. તેવામાં પઠાણને રોકવો ઘણું કઠિન કામ હશે.