સ્પોટ ફિક્સિંગમાં સંડોવણી બદલ પાકિસ્તાનના ત્રણ ક્રિકેટર સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને આઈસીસીએ સસ્પેન્ડ કરી દીધા બાદ અકળાયેલા પાકિસ્તાને ખેલાડીઓના બચાવ માટેની પોતાની ઝુંબેશ આદરીને ભારત પર આક્ષેપબાજીનું શસ્ત્ર ફરીથી ઉગામ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બાદ બ્રિટન ખાતેના પાકિસ્તાનના હાઈ કમિશનર વાજિદ હસને પણ ખેલાડીઓનો બચાવ કરીને સમગ્ર મામલમાં આઈસીસીના પ્રમુખ શરદ પવારને જવાબદાર ઠેરવીને તેમણે જ પાકિસ્તાનના ખેલાડીઓ સામે કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
વાજિદ હસને જણાવ્યું હતું કે ત્રણેય ક્રિકેટર નિર્દોષ છે અને આ ઘટનામાં ભારતીય બુકીઓનો હાથ છે. મને લાગે છે કે સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયા નથી પરંતુ માજિદ મઝહરે ભારતીય બુકીઓને છેતર્યા છે અને મૂળ ગુનેગાર તો માજિદ મઝહર જ છે.
આઈસીસીએ પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરને હંગામી ધોરણે સસ્પેન્ડ કરી દીધા એ પછી વાજિદ હસને ત્રણેયનો બચાવ કર્યો હતો. ચારે તરફથી થઈ રહેલા દબાણને વશ થઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટેની ટીમમાંથી ગુરુવારે સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને આસિફને પડતા મૂક્યા હતા પરંતુ તેમનો મજબૂત બચાવ કર્યો હતો.
હસને આ અંગે જણાવ્યું હતું કે છેલ્લાં એક સપ્તાહમાં જે કાંઈ બન્યું અને તેમની ઉપર જે રીતે આક્ષેપ થયા હતા તેનાથી ત્રણેય ક્રિકેટર માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને ક્રિકેટ રમવા માટે માનસિક રીતે સજ્જ ન હતા. આથી જ તેમણે વન-ડે શ્રેણી માટેની ટીમમાં તેમને નહીં સમાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વિનંતી કરી હતી.
તેમણે આ ઘટનનાનો પર્દાફાશ કરવા માટે સ્ટિંગ ઓપરેશન હાથ ધરનારા ન્યૂઝ ઓફ ધ વર્લ્ડની વિશ્વસનીયતા પર પણ શંકા વ્યક્ત કરી હતી અને સામો પ્રશ્ન કર્યો હતો કે આ સ્ટોરી લાવનારાની શું પ્રતિષ્ઠા છે?
આ ઘટનાની વીડિયો પર સમય કે તારીખ નથી ત્યારે તે મેચ અગાઉ કે મેચ પછી પણ તૈયાર કરાઈ હોઈ શકે.