ભારતના અનુભવી ખેલાડી લિએન્ડર પેસ અને તેની રશિયન સાથીદાર ઇલેના વેસનિનાની પાંચમી ક્રમાંકિત જોડીને વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂનૉમેન્ટની મિકસ ડબલ્સની ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડતા ઇન્ડો-રશિયન જોડી રનર્સઅપ બની હતી. પેસ અને વેસનિના લગભગ એક કલાક અને ૪૮ મિનિટ સુધી રમાયેલી રોમાંચક ફાઇનલમાં રોમાનિયાના હોરિયા ટેકાઉ તથા અમેરિકાની બેથેની મેટ્ટકે-સેન્ડ્સ સામે ૩-૬, ૭-૫ (૩-૧))થી પરાજય થયો હતો. શનિવારે લિએન્ડર પેસે પોતાના ચેક રાષ્ટ્રના સાથીદાર રાડેક સ્ટેપનેક સાથે મેન્સ ડબલ્સનો ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો.
લિએન્ડર પોતાની કારકિર્દીમાં બીજી વખત એક જ ગ્રાન્ડસ્લેમના બે ટાઇટલ જીતવાથી વંચિત રહ્યો છે. ૧૯૯૯માં તેણે ભારતના મહેશ ભૂપતિ સાથે મેન્સ ડબલ્સ તથા મિક્સ ડબલ્સમાં લિસા રેમન્ડ સાથે વિમ્બલડનના ગ્રાન્ડસ્લેમ જીત્યા હતા. પેસ ચોથી વખત ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યો હતો જેમાંથી તેણે બે વખત વિજય અને બે પરાજય મેળવ્યા છે.
કારકિર્દીમાં પેસે કુલ છ મિક્સ ડબલ્સના ટાઇટલ જીત્યા છે. અત્યાર સુધી પેસ ઝિમ્બાબ્વેની કારા બ્લેક સાથે મિકસ ડબલ્સમાં રમતો હતો. ટેકાયુ અને બેથેનીએ આક્રમક રમતનું પ્રદર્શન કરીને પ્રથમ સેટને ૬-૩થી જીતીને ટ્રોફી તરફ આગેકૂચ કરી હતી. પ્રથમ સેટમાં તેમણે પેસ અને વેસનિનાની ત્રણ વખત સર્વિસ બ્રેક કરી હતી.
ફાઇનલ સુધી પહોંચવા માટે પેસ પોતાની સાથીદાર વેસનિનાની ભરપૂર પ્રશંસા કરીને જણાવ્યું હતું કે કપરી મેચોમાં પણ તેણે ધીરજ રાખીને મને પ્રોત્સાહિત કર્યો હતો. હું મારા હરીફનો પણ આભાર માનું છું કે તેમણે મને ટેનિસના કેટલાક પાઠ શીખવ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયામાં એક જ મહિનામાં રિપબ્લિક દિવસ આવે છે અને બંને દેશો વચ્ચે સારા સંબંધો છે.