ભૂતપૂર્વ ઝડપી બોલર નાથાન બ્રેકેને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સામે સ્થાનિક કોર્ટમાં દાવો માંડીને આક્ષેપ કર્યો છે કે ક્રિકેટની સંચાલક સંસ્થાની અવગણનાના કારણે મારી કારકિર્દી સમય કરતાં વહેલી સમાપ્ત થઇ ગઇ છે. બ્રેકેને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન બોર્ડ મારા જમણા ઘૂંટણની તપાસ, નિદાન તથા સારવાર કરાવવામાં નિષ્ફળ રહ્યું છે.
બ્રેકેને એવો પણ આક્ષેપ કર્યો છે કે ઓસ્ટ્રેલિયન બોર્ડના તબીબ તથા ફિઝિયો ટોચના ખેલાડીઓને સાચી સલાહ આપી શકતા નથી. સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર બ્રેકેને માત્ર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ જ નહીં પરંતુ તેના ત્રણ પ્રોફેશનલ તબીબ અને ફિઝિયો સામે પણ દાવો માંડ્યો છે.
બીજી તરફ ઓસી. બોર્ડના વકીલ, તેના તબીબ તથા ફિઝિયો બ્રેકેને કરેલા આક્ષેપો સામે બચાવ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં બ્રેકેનની અરજી દાખલ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની સુનાવણી થશે. બ્રેકેન પાસે અદાલતે તેને કેટલું નુકસાન થયું છે તેની વિગતો માગી છે.