હવે બદલો લેવાનો સમય પાકી ગયો છે
મુંબઈ ફાઇટર્સ માટે હવે હકીકત જાણવાનો સમય પાકી ગયો છે. વર્લ્ડ સિરીઝ બોક્સિંગમાં અસ્તાના આર્લન્સની ટીમે ઘરઆંગણે અમારો વ્હાઇટવોશ કરી નાખ્યો અને થોડા દિવસ અગાઉ મિલાનો થંડર સામે પણ અમારો કારમો પરાજય થયો હતો. આમ આ બે મેચે ટૂનૉમેન્ટમાં ફાઇટર્સને સફાળા બેઠા કરી દીધા છે.
પ્રતિભા સામે કોઈ શંકા નથી. કદાચ આક્રમક પ્રહાર સામે ટકી રહેવામાં કાંઈક ખામી લાગે છે. દિવાકર પ્રસાદ માત્ર અમારી ટીમનો જ નહીં પણ ભારતનો આક્રમક અને આવડતવાળો બોક્સર છે પરંતુ તે બીજી વખત ટેકનિકલ નોકઆઉટમાં બહાર થઈ ગયો. આ બાબત વર્લ્ડ સિરીઝ બોક્સિંગમાં રમી રહેલા તમામ માટે ચેતવણી સમાન છે. લીગના ત્રણ મહિના દરમિયાન અમે તૈયારીમાં જરાય કચાશ રાખી ન હતી પરંતુ મુકાબલાને દિવસે અમે નબળા પડી ગયા. આમ છતાં દરેક વિજય કે પરાજય બોક્સર, કોચ અને મેનેજમેન્ટને નવું શીખવે છે જે આગળ જતા ભૂલો કરતા અટકાવે છે. મિલાન સામેની મેચ ખાસ યાદગાર રહી નથી.
જિતેન્દ્રકુમારને ચહેરા ઉપર વાગ્યું હતું અને તેણે રિંગ છોડવી પડી હતી. દિવાકરનો પરાજય થયો હતો. આમ મિડલ વેઈટ અને લાઈટ વેઈટમાં અમે પાંગળા બની ગયા. મનદીપ જાંગરાએ મોસ્કો સામેની પ્રથમ મેચમાં સારો સુધારો દાખવ્યો હતો પરંતુ જજનો નિર્ણય કંઈક જુદો જ હતો. બે વિદેશી બોક્સર માર્કો કેલિક અને મુન્ટીન કાંઈક અલગ જ પ્રદર્શન કરતા હતા. માર્કોના પરિવાર અને મિત્રો ક્રોએશિયાથી મિલાન આવ્યા હતા. તેના પિતા કોચ હોવા છતાં પુત્ર માટે માર્ગદર્શક બની શક્યા ન હતા. મુન્ટીને સારી રમત દાખવી હોવા છતાં તે જીતી શક્યો ન હતો. હવે બાકી રહેલા મુકાબલામાં અમારે ત્રણ-ત્રણ પોઈન્ટ લેવા ફરજિયાત બની ગયા છે.
ખેલાડીઓ મોસ્કો જઈ રહ્યા છે જ્યાં તેમની આકરી કસોટી થશે. રશિયન ટીમ ઘણી મજબૂત છે. રશિયાના માખમુડોવે અગાઉ અમને હરાવી દીધા હતા. અમારે તેનાથી સાચવવાનું છે. આ મુકાબલામાં યુએઈન જુનિયર પાસેથી અમને આશા છે. હવે બદલો લેવાનો સમય પાકી ગયો છે.