બ્રિટિશ મીડિયામાં આવેલા અહેવાલ મુજબ પાકિસ્તાની ખેલાડી ઝુલ્કરનૈન હૈદર ટીમમાં એક લઘુમતિનો ખેલાડી હતો તેના કારણે તે પોતાની વાત કોઈને ના કહી શક્યો અને ચૂપચાપ ટીમ છોડીને લંડન ભાગી ગયો હતો. સુન્ની ખેલાડીઓથી ભરેલી પાકિસ્તાની ટીમમાં એક શિયા ખેલાડીની વાત સાંભળનારૂ કોઈ નહોતું.
જો કે પાકિસ્તાનમાં હંમેશા લઘુમતિ વર્ગના ખેલાડીઓને સંઘર્ષ કરવો પડ્યો છે. પાકિસ્તાન ઈસ્લામિક રાષ્ટ્ર છે અને તેમાં ખ્રિસ્તી, હિન્દુઓ અને અન્ય ધર્મોનું પ્રમાણ ઘણું ઓછું છે. તેથી પાકિસ્તાની ટીમમાં આવેલા લઘુમતિ ખેલાડીઓને હંમેશા સંઘર્ષ કરવો પડ્યો છે.
-- અનિલ દલપત
અનિલ દલપતથી આ ટ્રેન્ડની શરૂઆત થઈ હતી. અનિલ 80ના દાયકામાં પાકિસ્તાની ટીમનો ભાગ હતો.
એક હિન્દુ હોવાના કારણે તેને ઘણી વખત ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો છે. અનિલ વિકેટકિપર બેટ્સમેન હતો. એક વખત ભારત વિરૂદ્ધ મેચમાં કેચ છોડ્યા બાદ તેની ઘણી ટીકાઓ કરવામાં આવી હતી. અનિલ દલપત સોનવરિયાએ પાકિસ્તાન માટે 9 ટેસ્ટ અને 15 વન ડે રમી હતી.
અનિલ તે વિકેટકિપર બેટ્સમેનોમાંનો એક છે જેણે દિગ્ગજ ખેલાડી વસીમ બારીના સન્યાસ લીધા બાદ પાકિસ્તાની ટીમમાં સમાવેશ થયો હતો. 1983-84માં અનિલે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ તે મેચમાં અનિલે ફિરકી બોલર અબ્દુલ કાદિરની બોલિંગમાં શાનદાર વિકેટકિપિંગ કર્યુ હતું. પાકિસ્તાને આ મેચ 3 વિકેટથી જીતી હતી.
-- યૂસુફ યોહાના
પાકિસ્તાની ટીમમાં અન્ય એક બિન-મુસ્લિમ ખેલાડી હતો યૂસુફ યોહાના. યોહાના એક ખ્રિસ્તી મૂળનો વ્યક્તિ હતો. પરંતુ તેના ધર્મના કારણે તેને ઘણી વખત ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. તેનાથી તંગ આવી જઈને તે યૂસુફ યોહાનામાંથી મોહમ્મદ યૂસુફ બની ગયો. યૂસુફે ખ્રિસ્તી ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવી લીધો છે.
-- દાનિશ કનેરિયા
કનેરિયા પાકિસ્તાની ટીમમાં બીજો એક હિન્દુ ખેલાડી છે. કનેરિયા દલપતનો સંબંધી પણ છે. કનેરિયાને અત્યાર સુધી તો પાકિસ્તાની ટીમમાં ધર્મને લઈને કોઈ ટીકાનો સામનો કરવા નથી પડ્યો.