આજે એવોર્ડ સમારંભ, હનૉન્ડેઝ તથા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ દાવેદાર
આર્જેન્ટિનાના જાદુઇ ફૂટબોલર લાયોનલ મેસ્સીને સોમવારે ૨૦૧૧ના વર્ષ માટે વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરનો ફિફા બેલોન ડી તથા એવોર્ડ આપવામાં આવશે ત્યારે તે આ રમતના મહાન ખેલાડીઓમાં પોતાનું નામ અંકિત કરાવશે. મેસ્સી સહિત આ પુરસ્કાર માટે ત્રણ ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે.
મેસ્સી ઉપરાંત બાર્સેલોનાનો સાથી ખેલાડી ઝાવી હનૉન્ડેઝ તથા રિયલ મેડ્રિડનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ આ એવોર્ડની હોડના અન્ય બે ઉમેદવારો છે. અત્યાર સુધી ફ્રાન્સના જિનેદિન જિદાન તથા બ્રાઝિલના રોનાલ્ડોએ આ એવોર્ડ ત્રણ વખત જીત્યો છે. ફિફાએ આ એવોર્ડની શરૂઆત ૧૯૯૧થી કરી છે અને ફ્રાન્સનું ફૂટબોલ મેગેઝિન ૧૯૫૬થી આ પુરસ્કાર આપી રહ્યું છે.
ફ્રાન્સના માઇકલ પ્લેટિની જ એક માત્ર એવો ખેલાડી છે જેણે સતત ત્રણ વર્ષ સુધી આ ટ્રોફી જીતી હતી. તેણે ૧૯૮૩થી ૧૯૮૫ સુધી આ ટ્રોફી હાંસલ કરી હતી પરંતુ તે વખતે માત્ર યુરોપિયન ખેલાડીઓના નામ ઉપર જ વિચાર કરવામાં આવતો હતો. મેસ્સી જો ત્રીજી વખત ટ્રોફીથી સન્માનિત થશે તો ૨૪ વર્ષની વય સુધીમાં ત્રણ વખત ટ્રોફી જીતવી તે વિશેષ સિદ્ધિ સમાન રહેશે. મેસ્સીએ ૨૦૧૧માં શાનદાર પ્રદર્શન કર્યું છે.
મેસ્સીના નેતૃત્વ હેઠળ બાર્સેલોના ટીમે ચેમ્પિયન્સ લીગ, સ્પેનશિ લીગ, યુરોપિયન સુપર કપ તથા સ્પેનશિ સુપર કપ ટૂનૉમેન્ટ જીતી છે. મેસ્સીએ ગયા વર્ષે કુલ ૫૩ ગોલ કર્યા હતા અને ચાલુ સિઝનમાં તે અત્યાર સુધીમાં ૩૧ ગોલ નોંધાવી ચૂકયો છે. જ્યુરિચમાં સોમવારે વધુ એક વખત બાર્સેલોના અને રિયલ મેડ્રિડ વચ્ચે હરીફાઇ જોવા મળશે. સર્વશ્રેષ્ઠ કોચની હોડમાં બાર્સેલોનાના પેપ ગાર્ડિલો તથા મેડ્રિડના જોસ મારિન્હો આમનેસામને છે. માન્ચેસ્ટર યુનાઇટેડના કોચ એલેક્સ ફર્ગ્યુસન પણ કોચ માટેના એવોર્ડના દાવેદાર છે.