ફિક્સિંગ બ્રાન્ડ ક્રિકેટરોને કોણ નાથશે? આઈસીસીએ હિંમત દેખાડવી રહી
પાકિસ્તાનનાં પાપ છાપરે ચડીને પોકારી રહ્યાં છે. આતંકવાદના મામલે એવું કહેવાય છે કે વિશ્ચમાં ગમે તે સ્થળે બનતી આતંકવાદની ઘટનાનું પગેરું પાકિસ્તાન સુધી અચૂક જતું હોય છે. ક્રિકેટની સટ્ટાખોરી અને મેચ ફિક્સિંગના મામલે પણ આવી જ સ્થિતિ છે. પાકિસ્તાની ક્રિકેટરો સટ્ટાખોરી માટે (ય) કુખ્યાત છે. લંડનમાં પકડાયેલા એક સટોડિયાએ તેમનો પર્દાફાશ કર્યો છે. નો બોલ નાખવાને મામલે ફિક્સિંગ થતું હોવાનું બહાર આવ્યું છે. ખુદ પાક કેપ્ટન સલમાન બટ જ આ ફિક્સિંગ ખેલનો મુખ્ય સૂત્રધાર હોવાનો ધડાકો લંડનના આ સટોડિયા મઝહર મજીદે કર્યો છે, એ ઘણી ગંભીર વાત છે. કુલ સાત ખેલાડી ભ્રષ્ટ છે. મામલો માત્ર ફિક્સિંગથી અટકતો નથી. બોલ સાથે છેડછાડની વાત પણ બહાર આવી છે.
ભૂતકાળમાં માજી કેપ્ટન વસીમ અકરમ, શોએબ અખ્તર,વગેરે સામેય આંગળીઓ ચિંધાયેલી છે. સલીમ મલિક પર તો આજીવન પ્રતિબંધ ફરમાવી દેવાયેલો છે. ડ્રગ્સસેવન, ગેરશિસ્ત વગેરે જેવા અનેક વિવાદોથી પાકિસ્તાની ખેલાડીઓ ઘેરાયેલા છે. આ પર્દાફાશ બીજે ક્યાંય નહીં ને ક્રિકેટના મક્કા ગણાતા ઈલાકામાં થતાં ખુદ આઇસીસીએ તેને ગંભીરતાથી લેવો પડી રહ્યો છે. વળી પાક ભારતીય સટોડિયાને બાતમી દેતા હોવાનું પણ કબૂલ થયું હોઈ ભારત ભણી પણ રેલો આવશે.
ક્રિકેટમાં આં.રા.સ્તરે આ સ્ટિંગ ઓપરેશને નવી હલચલ મચાવી છે. પાક ખેલાડીઓને ક્રિકેટ પ્રત્યે લગાવ નથી. નાણાં, લલનાઓ અને ભોજન પ્રત્યે તેઓ લાળ પપડાવતા રહેતા હોય છે. આ ફિક્સિંગ રેકેટની મૂળ તપાસ બ્રિટનની જાંબાઝ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ કરે છે એટલે ફિક્સિંગમાંય ફિક્સિંગ થવાની શક્યતા નથી. તપાસ મજબૂત રીતે થશે ને ક્રિકેટ ક્ષેત્રે પાક ખેલાડીઓનો જે ચહેરો આ સ્ટિંગ ઓપરેશનથી ઉઘાડો પડ્યો છે, એને કાનૂની લપડાક પણ પડશે. જ્યારથી ક્રિકેટમાં ફિક્સિંગ અને સટ્ટાખોરીનાં દૂષણ આવ્યાં છે ત્યારથી આ જેન્ટલમેન્સ ગેમની આબરુને લૂણો લાગ્યો છે.
પાક ક્રિકેટ બોર્ડે તો તેના સટોડિયા ખેલાડીઓ સામે શું પગલાં લેવાનું? ખરેખરી હિંમત તો ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઇસીસી)એ જ દેખાડવી પડશે. ક્રિકેટજગતને આ દૂષણોથી તદ્દન મુક્ત કરાવવું હવે સંભવિત રહ્યું નથી, કમસે કમ આઇસીસીના ડરને લીધે ઢીલા-પોચા સટોડિયા કાબૂમાં તો રહે! બોલ હવે આઈસીસીની કોર્ટમાં છે.