હજી બાર દિવસ પૂર્વે આપણે આપણા રાષ્ટ્રધ્વજને સલામ કરી ધ્વજવંદન કર્યું. ૬૪ વર્ષથી આઝાદીના શ્વાસ લેતા લેતા આપણે ઝંડાને સલામી આપીએ છીએ. પરંતુ જર્મનીના બર્લિનમાં એક ઘટના એવી બની હતી કે ઓલિમ્પિકની હોકીની ફાઇનલ મેચ હતી અને રમતના મેદાનમાં ઉતરતા પૂર્વે ભારતીય ટીમે ડ્રેસિંગરૂમમાં ત્રિરંગો લહેરાવી વંદે માતરમનું ગાન કર્યું હતું. એ વર્ષ હતું ૧૯૩૬નું ત્યારે આપણા દેશમા બ્રિટિશરોની હુકૂમત હતી અને તે સમયે હોકી ટીમના કેપ્ટન હતા જાદુગર ધ્યાનચંદ...
હિન્દુસ્તાનની હોકી રમતને એવરેસ્ટ પર પહોંચાડવામાં જેની મહત્વની ભૂમિકા છે, એવા પંજાબ રેજિમેન્ટના મેજર ધ્યાનચંદનો રવિવારે ૧૦પમો જન્મદિવસ છે. ૨૯ ઓગસ્ટના દિવસે જન્મેલા હોકીના ગુરુ ગણાતા ધ્યાનચંદની જન્મજયંતીને સમગ્ર ભારતના ખેલાડીઓ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવી રહ્યાં છે.
૨૯ ઓગસ્ટ ૧૯૦પના રોજ ઉત્તરપ્રદેશના નાના એવા પ્રયાગ ગામે લશ્કરના સુબેદારને ઘરે ધ્યાનચંદનો જન્મ થયો હતો. ધોરણ છ સુધી અભ્યાસ કરનાર ધ્યાનચંદ પિતાના પગલે ૧૭ વર્ષની ઉંમરે જ લશ્કરમાં ભરતી થઇ ગયા હતા.
પંજાબ રેજિમેન્ટમા સિપાહી તરીકે જોડાયેલા ધ્યાનચંદ આર્મીના જવાનોની હોકીની રમત જોઇ આ રમત તરફ આકષૉયા હતા અને તેમણે તેમની રેજિમેન્ટ તરફથી હોકી રમવાનું શરૂ કર્યું હતું. ખૂબ જ ટૂંકા સમયમાં હોકીની રમતમાં પ્રભુત્વ જમાવી લેતા લશ્કરના અધિકારીઓ ધ્યાનચંદની રમત પર ફિદા થઇ ગયા હતા. જેને કારણે ધ્યાનચંદની ૧૯૨૭માં પહેલી જ વાર ભારતીય ટીમમાં પસંદગી થઇ અને તેઓ ઇંગ્લેન્ડ રમવા ગયા.
ઇંગ્લેન્ડ ખાતે રમાયેલા ૧૦ મેચોમાં ભારતીય ટીમે કુલ ૭૨ ગોલ કર્યા હતા. જે પૈકીના ૩૬ ગોલ તો એકલા ધ્યાનચંદે કર્યા હતા. ધ્યાનચંદની આવી ઉત્કૃષ્ટ રમતને કારણે તેમની ૧૯૨૭માં નેધરલેન્ડના એમ્સ્ટરડેમ ખાતે રમાનાર ઓલિમ્પિકમાં પસંદગી થઇ અને ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. ધ્યાનચંદે પોતાના સ્ટિકવર્કથી ભારતની ટીમ મજબૂત બનાવી ફાઇનલમાં નેધરલેન્ડને ૩-૦ થી હરાવી પ્રથમ વખત ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
નેધરલેન્ડ સામેના ફાઇનલ મેચમાં ત્રણ પૈકી બે ગોલ ધ્યાનચંદે ફટકાર્યા હતા. ભારત સામેની હાર પચાવી ન શકનાર નેધરલેન્ડની ટીમના ખેલાડીઓએ ધ્યાનચંદની હોકીમાં લોહચુંબક હોવાનો આક્ષેપ કરતાં તેમની હોકી સ્ટિકના ત્રણ ભાગ કરી દેવાયા હતા. પરંતુ વિરોધીઓ તેમાં ફાવ્યા ન હતા. બસ, ત્યારથી ધ્યાનચંદને જાદુગર તરીકેનું બિરૂદ મળી ગયું.
સેન્ટર ફોરવર્ડ તરીકે જાણીતા થયેલા જાદુગર ધ્યાનચંદની ૧૯૨૭ બાદ ૧૯૩૨માં અમેરિકા ખાતે રમાયેલી ઓલિમ્પિકમાં પણ પસંદગી થઇ અને તેમાં પણ ભારતનો ડંકો વગાડી દેશનું નામ રોશન કર્યું. ત્યારબાદ, ૧૯૩૬માં જર્મન ખાતે રમાયેલી ઓલિમ્પિકમાં ભારતીય ટીમના સુકાની તરીકેની ભુમિકા ભજવી જર્મનીને ઘરઆંગણે જ રગદોળી નાખી સતત ત્રીજા ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો. ભારતીય ટીમના ધ્યાનચંદ નામના ખેલાડીની વાહ વાહ સાંભળી જર્મનના હિટલર ખૂદ ફાઇનલ મેચ જોવા ગયા હતા. તેમની રમત જોઇ હિટલરે ધ્યાનચંદને પોતાના લશ્કરમાં ફિલ્ડમાર્શલ તરીકે જોડાઇ જવા ઓફર પણ કરી હતી.
સતત ત્રણ ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ અપાવી દેશનું નામ રોશન કરનાર ધ્યાનચંદે ૧૯૪૮માં નિવૃત્તિ જાહેર કરી હતી. ઢગલાબંધ ગોલ ફટકારનાર ધ્યાનચંદને જાદુગરની સાથે ગોલ સમ્રાટનું પણ ઉપનામ અપાયું. ૧૯પ૬માં મેજર થયા બાદ તેઓ લશ્કરમાંથી નિવૃત્ત થયા હતા અને તેમને પદ્મભૂષણથી નવાજાયા હતા અને ૧૯૭૯માં જાદુગર, ગોલ સમ્રાટ તેમજ દાદુ તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનું દિલ્હી ખાતે નિધન થયું હતું.
સર ડોન બ્રેડમેને પણ જાદુગરને સલામ કરી હતી
૧૯૩પમાં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના સેન્ટર ફોરવર્ડ ધ્યાનચંદની રમત જોઇ ક્રિકેટની રમતના ભીષ્મ પિતામહ ગણાતા સર ડોન બ્રેડમેન દંગ રહી ગયા હતા અને ધ્યાનચંદને સલામ કરી હતી.
ઓસ્ટ્રીયામા ધ્યાનચંદની ચાર હાથવાળી પ્રતિમા મૂકી છે
મેજર ધ્યાનચંદની ઝડપી રમતને કારણે ઓસ્ટ્રીયાના વિયેનામા ધ્યાનચંદની પ્રતિમા મૂકવામાં આવી છે. તે પ્રતિમામાં ધ્યાનચંદના ચાર-ચાર હાથ બતાવ્યા છે અને દરેકના હાથમાં હોકી સ્ટિક રાખી છે.