પહેલાં તો હું મારી ટીમ બાબતે જણાવવા માગુ છું. વાયમ્બા, ઘણા લોકો વિચારી રહ્યા હશે કે આ કોઇ આફ્રિકન ટીમનું નામ હશે પરંતુ એવું નથી. આ શ્રીલંકન ટીમની પ્રોવિન્સ ટીમ છે.
આ વિસ્તાર ઘણી વસ્તુઓ માટે પ્રખ્યાત છે પરંતુ નાળિયેર માટે આ વધારે જાણીતો છે. મને આશા છે કે અમારી વાયમ્બા ઇલેવન આ વખતે ચેમ્પિયન બનીને વિજયનું નાળિયેર ફોડશે.
ગયા વર્ષના નિરાશાજનક પ્રદર્શન બાદ અમે આશા રાખી રહ્યા છીએ કે સાઉથ આફ્રિકામાં આ વખતે સારો દેખાવ કરી શકીશું. ગયા વખતે અમે દિલ્હી સામેની પ્રથમ મેચમાં હારી ગયા હતા.
વાયમ્બા ઇલેવનમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સારા ખેલાડીઓ હતા પરંતુ અમે ક્ષમતા મુજબનો દેખાવ કરી શક્યા નહોતા. અમે ચતુરાઇપૂર્વકની રમત દાખવી શક્યા નહોતા. સારી શરૂઆત બાદ અમે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા નહોતા.
ટીમ કોમ્બિનેશનમાં અમે સાત સ્ટાર બનાવ્યા છે જેમાં સૌથી પહેલું નામ હું જીવાંથા કુલાટુંગાનું લઇશ. ટીમનો આધારભૂત બેટ્સમેન છે. ત્યારબાદ જેહાન મુબારક અને સ્પિનર અજન્થા મેન્ડીસ. ખાસ કરીને મેન્ડીસ તો કમાલનો ખેલાડી છે અને તેનો અનુભવ ટીમને કામ લાગશે.
એક નવો બોલર ઇસારુ ઉડાના પોતાની કવોલિટી બોલિંગથી કમાલ કરી શકે છે. વિકેટકીપર કુસાલ જેનિત એક સરપ્રાઇઝ પેકેજ રહેશે.
મહારુફ ફોર્મમાં પરત ફર્યો
પરવેઝ મહારુફ ફોર્મમાં પાછો ફર્યો છે અને તેનામાં વિકેટ ઝડપવાની ભૂખ સ્પષ્ટ દેખાઈ આવે છે. પરેરાના સ્વરૂપે ટીમ પાસે શાનદાર ઓલરાઉન્ડર છે. આ વખતે છવાઇ જવા માટે અમે તૈયાર છીએ.