પાકિસ્તાનના પૂર્વ સુકાની અને ટીમના વિકેટકિપિંગ કોચ રશિદ લતિફે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. અને અફઘાનની ક્રિકેટ ટીમના કોચની જવાબદારી સ્વિકારી છે. લતિફે સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગ સાથે જોડાયેલા વિવાદ પર નિવેદન કર્યા બાદ પીસીબીએ તેઓને કારણ બતાવો નોટીસ જાહેર કરી હતી.
બોર્ડે જીયો ટીવી પર એક ટોકશો દરમિયાન સ્પોટ ફિક્સિંગ પર લતીફના નિવેદન સામે કડક વિરોધ દર્શાવ્યો હતો. 37 ટેસ્ટ અને 166 વનડે રમી ચુકેલા લતિફે પોતાના રાજીનામાની પૃષ્ટી કરતા કહ્યું કે, એક તરફ જ્યા તેઓને પાકિસ્તાન ક્રિકેટની સેવા કરવાની તક મળી ત્યાં બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દે પોતાના વિચાર રાખવા તેને મોંઘા પડ્યા છે.
તેમણે કહ્યું કે, અફઘાન ક્રિકેટ ઓથોરિટી સાથે વાતચીત થયા બાદ તમને બધાને જણાવી દઉ છું કે મને અફઘાનની ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળવા અંગે ઓફર કરવામાં આવી હતી. જેને મે સ્વિકારી લીધી છે.
આ વચ્ચે, સ્પોટ ફિક્સિંગના આરોપ હેઠળ સસ્પેન્ડેડ પાકિસ્તાની ખેલાડી સપ્તાહની અંદર આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી યૂનિટ સામક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાના છે. આઇસીસીએ લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન સ્પોટ ફિક્સિંગ મામલે મોહમ્મદ આસિફ, સલમાન બટ્ટ અને મોહમ્મદ આમિરને સસ્પેન્ડ કર્યા છે. અને એ અંગે નોટીસ ફટકારી છે. આ નોટીસનો જવાબ આપતા પહેલા આઇસીસી એક વખત તેઓની વાત સાભળે તેમ ખેલાડીઓ ઇચ્છી રહ્યાં છે. અને તે માટે ખેલાડીઓ કાયદાકીય સલાહ લઇ રહ્યાં છે. ખેલાડીઓએ 20 સપ્ટેમ્બર સુધી આઇસીસીની નોટીસનો જવાબ આપવાનો છે.