આ સમયે અમારું ધ્યાન ડમ્બુલ્લામાં રમાઇ રહેલી ત્રિકોણીય વન-ડે શ્રેણી પર છે પરંતુ હું સાઉથ આફ્રિકામાં રમાનારી ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ સ્પર્ધા અંગે પણ વિચારી રહ્યો છું.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલની ફાઇનલમાં થયેલો પરાજય મુંબઈ ઇન્ડિયન્સના તમામ ખેલાડી માટે ઘણો નિરાશાજનક હતો. અમે અમારા સમર્થકો તથા ફ્રેન્ચાઇઝી માટે વિજય મેળવવા માગતા હતા, તેમ છતાં ચેમ્પિયન્સ લીગનો વિજય અમારા પ્રશંસકોને તેમની નિરાશા દૂર કરવાની તક આપશે.
ટૂનૉમેન્ટમાં ચેમ્પિયન બનવું આસાન રહેશે નહીં, કારણ કે ચેમ્પિયન્સ લીગમાં ઘણી શક્તિશાળી ટીમો છે જેમાં લાયન્સ, સાઉથ ઓસ્ટ્રેલિયા, રોયલ ચેલેન્જર્સ અને ગુયાના જેવી ટીમોનો સમાવેશ થાય છે. અમે સાઉથ આફ્રિકાની સ્થાનિક પરિસ્થિતિને જલદીથી અનુકૂળ થઇ જઇએ તે અમારા માટે સારી બાબત રહેશે. અમારી ટીમમાં પ્રતિભાશાળી ખેલાડીઓની કોઇ ખોટ નથી.
આઈપીએલ-૩માં અમારી સફળતાનાં રહસ્યનું મુખ્ય કારણ ભારતીય ખેલાડીનું પ્રદર્શન રહ્યું હતું. સચિન તેંડુલકરનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું જે અમારી બેટિંગ લાઇન-અપનો મુખ્ય આધારસ્તંભ હતો. મુંબઈ ઇન્ડિયન્સ પરિવારના સભ્ય હોવું તે મારા માટે ગૌરવની બાબત છે. (ગેમપ્લાન)