અમદાવાદ ટેસ્ટ પહેલાં મેં જેમ કહ્યું હતું તેમ ન્યૂઝીલેન્ડને હળવાશથી લેવી મોટી ભૂલ સમાન રહેશે. પ્રથમ દાવમાં સારો દેખાવ કર્યો હોવા છતાં બીજા દાવમાં ક્રિસ માર્ટિન સામે ટોચની હરોળ વેરવિખેર થઇ ગઇ હતી. મોટો ધબડકો થયો હોત પરંતુ સારા નસીબે તે અટકયો હતો. ટેસ્ટનો પાંચમો અને અંતિમ દિવસ વીવીએસ લક્ષ્મણ તથા હરભજને બચાવ્યા બાદ ભારતે રાહત અનુભવી હતી.
વધુ એક વખત કટોકટીની પળોમાં ટીમની વહારે આવતા વીવીએસ લક્ષ્મણે વેરી વેરી સ્પેશિયલ ઇનિંગ્સ રમી હતી. લક્ષ્મણ અને હંમેશાં લડાયક અભિગમ સાથે રમનાર હરભજને હૈદરાબાદ ટેસ્ટમાં ભારતનો નૈતિક જુસ્સો જળવાઇ રહે તે સુનિશ્વિત કર્યું હતું. મારું માનવું છે કે જ્યારે પરિસ્થિતિ કપરી હોય છે ત્યારે પોતાની રમતનું સ્તર ઉપર લાવવાની લક્ષ્મણે કુશળતા મેળવી લીધી છે.
કેટલાક બેટ્સમેનો પોતાની ટીમ મુશ્કેલીમાં હોય છે ત્યારે વધારે સારો દેખાવ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. લક્ષ્મણ આ પ્રકારની સ્થિતિમાં ભાગ્યે જ નિષ્ફળ ગયો છે. હરભજને પણ ધીરજ જાળવી રાખીને સદી પૂરી કરવા ઉપરાંત સિનિયર બેટ્સમેનને છેલ્લે સુધી સાથ આપ્યો હતો. મારા મતે ઓસ્ટ્રેલિયા સામેની કપરી શ્રેણી રમ્યા બાદ ભારતીય ટીમ નબળી ટીમ સામેનો તાલમેલ બેસાડી શકી નથી.
ન્યૂઝીલેન્ડને પણ તેનાં શાનદાર પ્રદર્શન માટે શાબાશી આપવી જોઇએ. કિવિ ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયાને હરાવનાર વિશ્વની પ્રથમ ક્રમાંકિત ટીમને પીછેહઠ કરવા માટે મજબૂર કરી હતી. જેસ્સી રાઇડર જે રીતે બેટિંગ કરે છે તે મને જોવાનું ગમે છે.
હૈદરાબાદમાં ભારત છેલ્લે ૧૯૮૮માં ટેસ્ટ રમ્યું હતું અને તે પણ જહોન રાઇટનાં નેતૃત્વ હેઠળની કિવિ ટીમ સામે. મારું માનવું છે કે નાગપુર ખાતે ત્રીજી અને અંતિમ ટેસ્ટ માટે રવાના થતાં પહેલાં ધોની અને તેના સાથીઓ શ્રેણીમાં ૧-૦ની સરસાઇ મેળવવાનું વધારે પસંદ કરશે.