પદ્મશ્રી એવોર્ડની યાદીમાં કોઈ ક્રિકેટર નહીં
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની ઝુલન ગોસ્વામી, ભૂતપૂર્વ હોકી સુકાની ઝફર ઇકબાલ અને તીરંદાજ લિમ્બા રામને દેશના પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે કોઈ ક્રિકેટરની પદ્મશ્રી માટે પસંદગી થઈ નથી.
ઝુલન ગોસ્વામી અત્યારે આઈસીસીના મહિલા ક્રિકેટ ક્રમાંકમાં મોખરે છે અને બોલિંગમાં તેની સરેરાશ વિકેટદીઠ ૨૦ રન કરતાં પણ ઓછી રહી છે. ૨૦૦૬-૦૭માં ઝુલનની આગેવાની હેઠળ ભારતીય ટીમે ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું.
અગાઉ અર્જુન એવોર્ડ હાંસલ કરી ચૂકેલી ઝુલન ગોસ્વામી ૨૦૦૭ના વર્ષમાં આઈસીસીની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર જાહેર થઈ હતી. ભૂતપૂર્વ હોકી ખેલાડી ઝફર ઇકબાલ તેની ઝડપી રમત તથા સ્ટિક વર્ક માટે ૧૯૮૦ના દાયકામાં ભારતનો સ્ટાર હોકી ખેલાડી હતો. ૧૯૮૦માં ભારતે છેલ્લે મોસ્કોમાં ઓલિમ્પિક્સ ગોલ્ડમેડલ જીત્યો ત્યારે ઝફર ઈકબાલનો ફાળો વિશેષ હતો. ૧૯૮૯ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લિમ્બા રામ ક્વાર્ટરફાઈનલમાં પહોંચ્યો હતો. તેણે એશિયાડમાં ગોલ્ડ જીત્યો હતો.