કેનેડાની હોકી ટીમના સુકાની કેન પરેરાએ કબૂલ્યું હતું કે ભારતને તેની જ ધરતી પર હરાવવું ક્યારેય આસાન રહ્યું નથી અને આ વખતે પણ આ કામગીરી મુશ્કેલ બની રહેવાની છે. લંડન ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની હોકી ઇવેન્ટમાં ક્વોલિફાઇ થવા માટે ફેબ્રુઆરીમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ ભારતમાં યોજાનારા છે અને તેમાં કેનેડાનો મુકાબલો ભારત સામે થવાનો છે.
પરેરાએ જણાવ્યું હતું કે ભારતીય હોકી ટીમ ઘરઆંગણે હંમેશાં મજબૂત રહી છે અને તાજેતરમાં તેમણે ચેમ્પિયન્સ ચેલેન્જમાં પણ શાનદાર દેખાવ કર્યો હતો. ભારતીય હોકી ટીમમાં કેટલાક નવા ખેલાડીઓ આવ્યા છે.
આ ખેલાડીઓ યુવાન છે અને તેમનામાં પ્રતિભા પણ છે તે જોતાં મને લાગે છે કે તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં રમવા માટે તરત જ સજજ થઈ જાય છે. મને ખાતરી છે કે ભારતની વર્તમાન ટીમ એટલી બધી મજબૂત છે કે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તમામ ટીમને ભારત સામે રમવામાં તકલીફ પડશે.