રણજી વન-ડેમાં પુનરાગમન કરનારા ઇરફાન પઠાણ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી હાલત થઇ છે. ગુરુવારે મુંબઈ સામેની રણજી ટ્રોફી વન-ડે ક્રિકેટ ટૂનૉમેન્ટમાં તે શૂન્ય રને આઉટ થઇ ગયો હતો અને બોલિંગમાં એક વિકેટ લીધા બાદ તેના પગના સ્નાયુઓ ખેંચાઇ જતાં તેને મેચમાંથી બહાર થઇ જવાની ફરજ પડી હતી.
મોતીબાગ મેદાન પર રમાયેલી મેચમાં ઇરફાન લાંબા સમય બાદ પુનરાગમન કરનારો હતો પરંતુ તે અપેક્ષા મુજબની શરૂઆત કરી શક્યો ન હતો. મુંબઇના બોલર ઇકબાલ અબ્દુલ્લાની બોલિંગમાં તે પ્રથમ બોલે જ બોલ્ડ થઇ ગયો હતો.
ઇરફાને બોલિંગમાં મુંબઇના આદિત્ય તેરેને એક રને બોલ્ડ કર્યો એ પછીની ઓવરના ચોથા બોલે રહાણેએ ચોગ્ગો ફટકાર્યા બાદ પાંચમો બોલ નાખવા જતાં ઇરફાન બોલિંગ રનઅપ પર લપસી પડ્યો હોય એમ લાગતું હતું પરંતુ વાસ્તવમાં તેના પગના સ્નાયું ખેંચાઇ જતાં તે રનઅપ પૂરો કરી શક્યો ન હતો.
આ પ્રસંગે તે બોલિંગ રનઅપ પર સૂઇ જતાં તેને તત્કાળ પ્રાથમિક સારવાર અપાઇ હતી. તેણે બાદમાં બોલિંગ કરવાના નિષ્ફળ પ્રયત્ન કર્યા બાદ ડ્રેસિંગ રૂમમાં પરત ફરતા દર્શકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો.
લાંબા ગાળે રમતાં આવું બની શકે છે : કોચ નરૂલા
બરોડા ટીમના કોચનો સંપર્ક સાધતા કોચ મુકેશ નરૂલાએ જણાવ્યું હતું કે ઇરફાનને સ્નાયુઓ ખેંચાઇ જવાની સામાન્ય સમસ્યા ઊભી થઇ છે. કોઇ ખેલાડી લાંબા ગાળે રમતો હોય ત્યારે આવું બની શકે છે.