વિદેશી કોચનું કહેવું છે કે આઠ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ભારતનો દબદબો કાયમ છે
ભારતીય હોકી ટીમ છેલ્લા બે દાયકાથી ઓલિમ્પિક્સમાં ખાસ સફળતા હાંસલ કરી શકી નથી અને ગઈ વખતે તો તે ક્વોલિફાઇ પણ થઈ શકી ન હતી તેમ છતાં આઠ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ભારતથી ઇન્ટરનેશનલ હોકી ટીમો આજે પણ ડરે છે તેમ ભારતીય હોકી ટીમના વિદેશી કોચ માઇકલ નોબ્સનું માનવું છે.
ઓલિમ્પિક ક્વોલિફાયર માટે આવતા મહિને ભારતની ટીમ રમવાની છે અને તે માટે યોજાયેલા કેમ્પના બીજા તબક્કામાં ભારતની ટીમને માર્ગદર્શન આપી રહેલા કોચ નોબ્સે જણાવ્યું હતું કે મને ખાતરી છે કે આ વખતે ભારતીય ટીમ લંડન ગેમ્સ માટે ક્વોલિફાઇ થઈ જશે. ૧૯૮૦માં મોસ્કો ખાતે ગોલ્ડમેડલ જીત્યા બાદ ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમ ખાસ કાંઈ કરી શકી નથી તેમ છતાં હકીકત એ છે કે વિવિધ ઇન્ટરનેશનલ ટીમો ભારતથી ડરે છે.
મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે ટીમની પ્રેક્ટિસ દરમિયાન પત્રકારો સાથે ચર્ચા કરતાં નોબ્સે ઉમેર્યું હતું કે ઓલિમ્પિક ક્વોલિફાયર અમારા તમામ માટે મહત્વપૂર્ણ છે અને અમે દબાણ અનુભવી રહ્યા છીએ. તમામ ખેલાડી લંડન ગેમ્સમાં ક્વોલિફાઇ થવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને મને ૯૦થી ૯૫ ટકા વિશ્વાસ છે કે ભારત ક્વોલિફાઇ થઈ જશે.
કોઈ બાબત અત્યંત ખરાબ રીતે અમારી વિરુદ્ધમાં જાય અથવા તો ખરાબ અમ્પાયરિંગ અથવા તો અમે ખરેખર ઘણી ખરાબ રીતે મેચ હારીએ તો જ અમે ક્વોલફાઇ થઈશું નહીં. એ સિવાય આ વખતે ભારતની ટીમ લંડન ગેમ્સમાં રમશે તે લગભગ નિશ્વિત છે તેમ માઇકલ નોબ્સે ઉમેર્યું હતું.
૨૦૦૮ની બેઇજિંગ ગેમ્સમાં ક્વોલિફાઇ થવામાં નિષ્ફળ રહેલી ભારતીય હોકી ટીમ આ વખતે ૧૮થી ૨૬મી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા ક્વોલિફાઇંગ રાઉન્ડમાં કેનેડા, પોલેન્ડ, ફ્રાન્સ, ઇટાલી અને અમેરિકા સામે રમશે. ૨૦૧૦ના સપ્ટેમ્બરમાં માઇકલ નોબ્સે ભારતીય હોકી ટીમનો ચાર્જ સંભાળ્યો એ પછી તેમણે ખેલાડીઓની ફિટનેસ તરફ વધારે ધ્યાન આપ્યું છે અને ખેલાડીઓને યુરોપિયન સ્ટાઈલમાં રમત શીખવાડી છે જેનો ઘણી સ્પર્ધામાં લાભ મળ્યો છે.