ભારતના લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિની ત્રીજા ક્રમની જોડીએ અહીં રમાતી એગોન ટેનિસ ટૂનૉમેન્ટની ડબલ્સ ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ફિલિપ પોલાસેક અને ઇગોર ઝેલેનાઈની જોડી સામે તેમનો ૬-૪, ૬-૪થી વિજય થયો હતો.
વિમ્બલડન અગાઉ રમાતી આ ટૂનૉમેન્ટમાં ઇન્ડિયન એક્સપ્રેસ તરીકે ઓળખાતી જોડીએ પ્રથમ સેટમાં શાનદાર દેખાવ કર્યો હતો અને આસાનીથી સેટ જીતી લીધો હતો પરંતુ બીજા સેટમાં તેમને સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમને સાત બ્રેક પોઇન્ટ મળ્યા હતા પરંતુ તેમાંથી માત્ર એકને જ તેઓ પોઇન્ટમાં ફેરવી શક્યા હતા.
લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ તાજેતરમાં ફ્રેન્ચ ઓપનમાં સારો દેખાવ કરી શક્યા ન હતા પરંતુ હવે તેમની પાસેથી વિમ્બલડન ગ્રાન્ડસ્લેમમાં સફળતાની અપેક્ષા રખાય છે. એગોન એટીપી ટેનિસમાં પેસ અને ભૂપતિની જોડીનો સેમિફાઇનલમાં રોબર્ટ લિન્ડસેટ તથા હોરિયા ટેકેઉ અને મેકસ મિરનયી અને ડેનિયલ નેસ્ટરની જોડી વચ્ચે રમાનારી ક્વાર્ટર ફાઇનલ મેચના વિજેતા સામે થશે.