અમદાવાદ ખાતેની મેચમાં ટીમ ઇન્ડિયા માત્ર 76માં આઉટ થઇ ગઇ હતી
એપ્રિલ ૨૦૦૮ની મોટેરા મેચ યાદ આવી ગઈ
સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ગુરુવારે ભારતીય ટીમનો ડેલ સ્ટેઇન સામે જે રીતે ધબડકો થયો એ જોતાં ૨૦૦૮ના એપ્રિલમાં અમદાવાદના સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ મોટેરા ખાતે આ જ બે ટીમ વચ્ચે રમાયેલી ટેસ્ટની યાદ તાજી થઈ ગઈ હતી. એ મેચમાં પણ ડેલ સ્ટેઇન શરૂઆતમાં ત્રાટકયો હતો અને ભારતીય ટીમ માત્ર ૭૬ રનમાં આઉટ થઈ ગઈ હતી.
બંને મેચમાં સામ્યતા એ હતી કે ડેલ સ્ટેઇન ત્રાટકયો હતો. સ્ટેઇને એપ્રિલ ૨૦૦૮માં પાંચ વિકેટ ખેરવી હતી અને ભારતની ટીમને માત્ર ૨૦ ઓવરમાં જ પેવેલિયન ભેગી કરી દીધી હતી. ભારત લંચ અગાઉ જ ઓલઆઉટ થઈ ગયું હતું અને ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં એ પ્રથમ પ્રસંગ હતો જેમાં કોઈ ટીમ મેચના પ્રથમ દિવસે લંચ અગાઉ જ ઓલઆઉટ થઈ ગઈ હોય.
જોકે એક ફરક એ હતો કે એ મેચમાં સચિન તેંડુલકર રમ્યો ન હતો. ઇજાને કારણે સચિન એ શ્રેણીમાં રમ્યો ન હતો પરંતુ અનિલ કુંબલેની આગેવાની હેઠળની એ ટીમમાં સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સેહવાગ અને વીવીએસ લક્ષ્મણ જેવા ક્રિકેટર હતા. તેમાંય સેહવાગ તો એ મેચના એક સપ્તાહ અગાઉ સાઉથ આફ્રિકા સામેની ચેપોક ખાતેની ટેસ્ટમાં ૩૧૯ રન નોંધાવીને આવ્યો હતો પણ અમદાવાદમાં તે માત્ર છ રન નોંધાવી શક્યો હતો.
ગુરુવારે સેન્ચુરિયન ખાતે સેહવાગ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો અને ભારતના પતનની શરૂઆત થઈ હતી. ગુરુવારે સેહવાગ, ગૌતમ ગભીર અને રાહુલ દ્રવિડ નશિ્ફળ રહેતાં ભારતે ૭૧ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.
લેખક દિવ્ય ભાસ્કરના સ્પોર્ટ્સ એડિટર છે બીસીસીઆઈના સત્તાવાર ઇન્ટરનેશનલ સ્કોરર છે. એપ્રિલ ૨૦૦૮માં મોટેરામાં રમાયેલી મેચમાં બીસીસીઆઈના સ્કોરર તરીકે ઉપસ્થિત હતા.
આજે સેન્ચુરિયનના મેદાન પર જે પ્રકારનું ધોનીના ધુરંધરોએ પ્રદર્શન કર્યું છે તેવા ભૂતકાળમાં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન અંગે તમે જાણો છો? શું વિશ્વની નંબર વન ટેસ્ટ પાસે આ પ્રકારના પ્રદર્શનની આશા રાખી શકાય? ફિડબેક થકી જણાવો