પંદર વર્ષોથી જે ક્ષણની રાહ જોવાતી હતી અંતે તે ક્ષણ આવી પંહોચી છે. ભારતને એશિયા કપ જીતવાનું સપનું ઘણા લાંબા સમયથી સાકાર કરવાનું છે. જોકે સ્પર્ધાની છેલ્લી લીગ મેચમાં ભારતીય ટીમને શ્રીલંકાના હાથે કારમો પરાજય સહન કરવો પડ્યો છે પણ વાત જ્યારે ફાઇનલની હશે ત્યારે ચોક્કસ પણે મુકાબલો કંઇક અલગ જ હશે.
ભારતની પાસે શ્રીલંકા સામે પરાજયનો બદલો લેવાની તક તો છે જ સાથોસાથ 1995 પછી જીત હાંસલ કરવાની તક પણ છે. ભારતે છેલ્લે 1995માં એશિયા કપ મોહમ્મદ અઝહરૂદ્દીનની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકાને આઠ વિકેટે હરાવીને જીત્યો હતો . ત્યાર પછી ભારત 1997, 2004 અને 2008ની એશિયા કપની ફાઇનલમાં રમ્યું પણ તેણે ત્રણેય વખતે હારનો સામનો કરવો પડ્યો હતો.
એક વાત એ પણ છે કે ભારતે 1988, 1990 અને 1995માં ફાઇનલામાં શ્રીલંકાને હરાવીને કપને પોતાના નામે કર્યો હતો. ભારત અને શ્રીલંકા અત્યાર સુધી ચાર ચાર વખત એશિયા કપ જીતી ચુક્યા છે. ફાઈનલમાં જે ટીમ એશિયા કપ જીતશે તેના નામે સૌથી વધુ વખત એશિયા કપ જીતવાનો રેકોર્ડ થઈ જશે.
ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં કોઈ પણ વિભાગમાં પોતાની છાપ છોડવામાં અસફળ રહી છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ગૌતમ ગંભીર સિવાય કોઈ પણ ખેલાડી બેટિંગમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યો નથી. ટીમ માટે ચિંતાજનક વાત એ છે કે વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ ઈજાના કારણે સ્પર્ધામાંથી બહાર થઈ ગયો છે.