- બ્રેટ લીએ બીજી ટી20 પહેલા કર્યો શાબ્દિક પ્રહાર
- ભારતને એક પણ મેચ નહીં જીતવા દઈએ- લી
હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી ટીમ ઈન્ડિયાને મહેણું મારતા ઓસ્ટ્રેલિયના દિગ્ગજ બોલર બ્રેટ લીએ કહ્યું છે કે આ સમરમાં ભારતીય ટીમ માનસિક રીતે ભાંગી પડી છે અને તેની ટીમ ધોની સેનાને તમામ ફોર્મેટમાં કચડી નાંખશે.
ટેસ્ટ શ્રેણીમાં તો ભારત 0-4થી હારી જ ગયું છે અને બે ટી20 મેચની શ્રેણીની પ્રથમ મેચ પણ હારી ગયું છે. લીએ કહ્યું છે કે ભારતીય ટીમની આ દયનીય પરિસ્થિતિને જોતા ઓસ્ટ્રેલિયા તેને કચડવાનું ચાલું જ રાખશે.
અમારો પ્રત્યેક ખેલાડી ભારતનો વ્હાઈટવોશ ઈચ્છે છે. અમે આ ઓસ્ટ્રેલિયન સમરમાં ભારતને એક પણ મેચ જીતવા દેવા ઈચ્છતા નથી, તેમ ઝડપી બોલરે જણાવ્યું છે.
પ્રથમ ટી20માં ભારતને પરાજય આપ્યો છતાં લીનું કહેવું છે કે તેની ટીમમાં હજી સુધારાની જરૂર છે. તેણે કહ્યું છે કે અમે તે દિવસે ચોક્કસ રમત રમી નહોતી. વાતાવરણ અને પરિસ્થિતિના કારણે કેટલીક બાબતોમાં ખામી રહી ગઈ હતી તેમ મારૂ માનવું છે.
ઉલ્લેખનીય છે કે બ્રેટ લીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે 76 ટેસ્ટમાં 30.81ની સરેરાશ સાથે કુલ 310 વિકેટ લીધી હતી. જો કે હવે તે વનડે અને ટી20 ક્રિકેટ રમી રહ્યો છે. વનડેમાં તેના નામે 357 અને ટી20માં 23 વિકેટ છે.
ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ અને ટી20ની અલગ-અલગ ટીમો બનાવી દીધી છે. ફક્ત ડેવિડ વોર્નર જ એક ખેલાડી છે જે ભારત સામે ટેસ્ટ શ્રેણીમાં હતો અને પ્રથમ ટી20માં પણ રમ્યો. જ્યારે ભારતીય ટીમમાં એવું નથી. ભારતે ઓસ્ટ્રેલિયા સામે રમેલી પ્રથમ ટી20માં ટેસ્ટ શ્રેણીમાં રમેલા છ ખેલાડીઓ રમ્યા હતા. જો કે લીએ કહ્યું છે કે હું નથી માનતો કે તમારે ત્રણ જુદા-જુદા ફોર્મેટ માટે ત્રણ જુદી-જુદી ટીમો હોવી જોઈએ.