ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂનૉમેન્ટ શુક્રવારનો દિવસ ભારતીય ટેનિસમાં ‘ગુડ ફ્રાઇડે’ સમાન બની રહ્યો હતો. ભારતના તમામ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાએ પોતપોતાના ડબલ્સના મુકાબલા જીતી લઇને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. પેસ અને તેના નવા સાથીદાર રાડેક સ્ટેપનેકે મેન્સ ડબલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરતા પહેલાં ભારે લડત આપીને ૧૪મો ક્રમાંક ધરાવતી સિમોન બોલેલી તથા ફેબિયો ફોગનિનીની ઇટાલિયન જોડીને ૬-૨, ૭-૬(૫)થી પરાજય આપ્યો હતો.
પેસ અને સ્ટેપનેકનો આગામી મુકાબલો ત્રીજો ક્રમાંક ધરાવતા ફ્રાન્સના માઇકલ લોદ્રા અને સર્બિયાના નિનાદ ઝિમોન્ઝિક સાથે થશે. મિકસ ડબલ્સમાં ૨૦૦૯ના ચેમ્પિયન મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝાની જોડીએ સાઉથ આફ્રિકાના નિતાલી ગ્રાન્ડીન તથા નેધરલેન્ડ્સની જિન જુલિયન રોજરની જોડીને પ્રારંભિક મુકાબલામાં ૬-૪, ૬-૨થી પરાજય આપ્યો હતો.
ભારતીય ખેલાડીઓના કેમ્પમાં સૌથી પ્રભાવશાળી વિજય રોહન બોપન્ના અને તેની અમેરિકન સાથીદાર લિસા રેમન્ડનો થયો હતો. ઇન્ડો-અમેરિકન જોડીએ ઓસ્ટ્રિયાની એલેક્ઝાન્ડર પેયા તથા કઝાકિસ્તાનના ગાલિના વોસ્કોબોએવાની જોડીને મિકસ ડબલ્સમાં ૬-૧, ૬-૦થી હરાવી હતી.