સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં ત્રણ પાકિસ્તાની ક્રિકેટરો કસૂરવાર ઠરે તો તેમની સામે કોઈ દયા દાખવવી ન જોઈએ, જોકે ક્રિકેટ પર સટ્ટો લેવાતો હોવાનું જાહેર છે છતાં કાયદાનો અમલ કરતી એન્ફોર્સમેન્ટ એજન્સીઓ તેનાથી વાકેફ કેમ નથી એવો પ્રશ્ન ભારતના મહાન ક્રિકેટર કપિલદેવે કર્યો હતો.
૧૯૮૩માં વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના સુકાની કપિલદેવે વધુમાં જણાવ્યું હતું કે ક્રિકેટ પર સટ્ટો મોટેપાયે લેવાય છે તે હવે સૌ કોઈ જાણે છે. સરકાર અથવા પોલીસને તેની જાણ કેમ નથી તે આશ્ચર્યની વાત છે. આઈસીસીએ આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
કપિલે તેની મુંબઈની મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું હતું કે ત્રણ પાકિસ્તાની ક્રિકેટરનાં નામની સંડોવણી થવાને કારણે અન્ય પાકિસ્તાની ખેલાડીઓનાં નામ પર પણ કલંક લાગી રહ્યું છે તે દુ:ખદ બાબત છે.